
જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ ડિવિઝનના જામનગર રેલવે સ્ટેશન પર 3 ઑક્ટોબર 2026ના રોજ ચાલુ ટ્રેનમાં ચઢતી વખતે પ્લેટફોર્મ અને બોગી વચ્ચે પડી ગયેલા 61 વર્ષીય મુસાફરને RPF કોન્સ્ટેબલે તત્પરતા દાખવી સુરક્ષિત બહાર કાઢી જીવ બચાવ્યો હતો. આ ત્વરિત કાર્યવાહી અને સાહસ માટે રેલવે પ્રશાસને સંબંધિત જવાનની કામગીરીને બિરદાવી છે.
રાજકોટ–ઓખા પેસેન્જર ટ્રેન (નંબર 59551) જામનગર સ્ટેશન પર આવી ત્યારે રાજકોટથી દ્વારકાની મુસાફરી કરી રહેલા બટુક દાસ પાણી લેવા માટે નીચે ઉતર્યા હતા. ટ્રેન ઉપડી જતાં ચાલુ ટ્રેને ચઢવાનો પ્રયાસ કરતી વખતે સંતુલન બગડતા તેઓ પ્લેટફોર્મ અને ચાલુ ટ્રેન વચ્ચેની જગ્યામાં પડી ગયા હતા.
ડ્યુટી પર તહેનાત RPF કોન્સ્ટેબલ અમિત દહિયાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના ત્વરિત કાર્યવાહી કરીને મુસાફરને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા. જવાનની કોઠાસૂઝ અને સાહસના કારણે મુસાફરને કોઈ ઈજા પહોંચી ન હતી અને તેમનો જીવ બચી ગયો હતો.
ઘટના બાદ સબ-ઇન્સ્પેક્ટર મુકેશ કુમારે સ્ટાફ સાથે પહોંચી મુસાફરની સ્થિતિ ચકાસી તેમને તે જ ટ્રેનમાં આગળની મુસાફરી માટે રવાના કર્યા હતા. DRM ગિરિરાજ કુમાર મીના અને ASC અશોક કુમાર ત્યાગીએ કોન્સ્ટેબલ અમિત દહિયાની તત્પરતાની પ્રશંસા કરી હતી.
આ ઘટના સંદર્ભે રેલવે પ્રશાસને મુસાફરોને ચાલુ ટ્રેને ચઢવા કે ઉતરવા પ્રયાસ ન કરવા અપીલ કરી છે. ટ્રેન સંપૂર્ણપણે થંભી જાય પછી જ સુરક્ષિત રીતે ચઢવા-ઉતરવા અને અકસ્માતોથી બચવા વિનંતી કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt