બંગાળની ખાડીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું ‘અક્વાન’, 20 નવેમ્બરે આંધ્ર પ્રદેશના તટ સાથે ટકરાવાનું અનુમાન
ચેન્નાઈ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અક્વાન’ ચક્રવાત, ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે. તે છેલ્લા છ કલાક દરમિયાન ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. ભારતીય હવામાન વિભા
બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અક્વાન’ ચક્રવાત


ચેન્નાઈ, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ.) બંગાળની ખાડીમાં સર્જાયેલું ‘અક્વાન’ ચક્રવાત, ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે. તે છેલ્લા છ કલાક દરમિયાન ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી હતી.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર, 16 નવેમ્બરે દક્ષિણ-પૂર્વ અને તેને અડીને આવેલી દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું અને સાંજે આશરે 5:30 વાગ્યે ચક્રવાત ‘અક્વાન’માં ફેરવાઈ ગયું હતું. તે દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને તેને અડીને આવેલા મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડીમાં સ્થિત હતું.

ત્યારબાદ ચક્રવાત ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધતું રહ્યું અને બુધવારે સવારે 5:30 વાગ્યે ગંભીર ચક્રવાતી તોફાનમાં તબદીલ થઈ ગયું હતું. તે સમયે તે ચેન્નાઈથી આશરે 580 કિલોમીટર પૂર્વમાં, શ્રીલંકાના ત્રિંકોમાલીથી 650 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં, આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમથી 610 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં, વિશાખાપટ્ટનમથી 610 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં અને ઓડિશાના ગોપાલપુરથી 730 કિલોમીટર દક્ષિણમાં સ્થિત હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે વધુ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધીને 20 નવેમ્બરે બપોરના સમયે નેલ્લોર અને તુની વચ્ચે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં પાર કરી શકે છે. આ દરમિયાન 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. વચ્ચે-વચ્ચે પવનની ઝડપ 125 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદની શક્યતા

ચક્રવાતની અસરને પગલે ચેન્નાઈ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે. આ દરમિયાન 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તેજ પવન ફૂંકાઈ શકે છે. ચેન્નાઈ હવામાન વિજ્ઞાન કેન્દ્રે આ માહિતી આપી હતી.

આ ઉપરાંત દક્ષિણ તમિલનાડુ, ઉત્તરી તટીય તમિલનાડુના કેટલાક અન્ય વિસ્તારો, પુડુચેરી અને કરાઈકલમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે તમિલનાડુના બાકીના ભાગોમાં હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે 20 નવેમ્બરે ચેન્નાઈ અને તિરુવલ્લુર જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જારી કર્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / ડો. વારા પ્રસાદ રાવ / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande