
- બીઆઈટીએસ પિલાણીના વૈજ્ઞાનિકોએ વિકસાવી સૌર ટેકનોલોજી - હવે દરિયાકાંઠાના ગામો અને ટાપુઓ માટે ખુલશે નવી સંભાવનાઓ
નવી દિલ્હી, 18 નવેમ્બર. સમુદ્રનું ખારું પાણી હવે પીવાલાયક મીઠા પાણીમાં બદલાવાની સાથે ભીષણ ગરમીથી રાહત આપતી ઠંડી હવા પણ ઉપલબ્ધ કરાવી શકશે. ભારતના વૈજ્ઞાનિકોએ એવી ટેકનોલોજી વિકસાવી છે, જે એક જ પ્રણાલીથી પીવાનું પાણી અને શીતલનની બેવડી જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતના વિશાળ દરિયાકાંઠાના વિસ્તારો, અંતરિયાળ ગામો અને ટાપુઓમાં પીવાના પાણીની કટોકટીનો સામનો કરવાની સાથે ગરમી અને ભેજથી રાહત આપવાની દિશામાં આ સંશોધન નવી સંભાવનાઓ ખોલે છે.
ખરેખર, સૌર ઊર્જાથી સંચાલિત થનારી આ પ્રણાલીના પ્રયોગશાળા પરીક્ષણમાં કલાક દીઠ 12.4 લિટર સુધી મીઠા પાણીનું ઉત્પાદન અને 6.57 કિલોવોટ સુધીની શીતલન ક્ષમતા પ્રદર્શિત કરવામાં આવી છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (બીઆઈટીએસ), પિલાણીના હૈદરાબાદ પરિસરના સંશોધકોની આ નવીનતાને ભારતીય પેટન્ટ મળી ગઈ છે.
એક પ્રણાલી, બે સમસ્યાઓનો ઉકેલ
સામાન્ય રીતે સમુદ્રી જળને પીવાલાયક બનાવવા માટે ક્ષારમુક્ત કરવાના પ્લાન્ટ અને વાતાવરણને ઠંડું રાખવા માટે એર કન્ડીશનીંગ અથવા અન્ય શીતલન ઉપકરણોની જરૂર પડે છે. બંને વ્યવસ્થાઓમાં અલગ-અલગ ઊર્જા ખર્ચાય છે. બીઆઈટીએસના વૈજ્ઞાનિકોએ આ પ્રક્રિયાઓને એકીકૃત કરી એવી પ્રણાલી વિકસાવી છે, જેમાં સમુદ્રી જળનું શુદ્ધિકરણ અને હવાનું શીતલન એકસાથે થાય છે.
સંશોધનનું નેતૃત્વ કરનારા મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર સંદીપ એસ. દેશમુખે જણાવ્યું કે, “અમારો ઉદ્દેશ્ય એવી ટેકનોલોજી વિકસાવવાનો હતો, જે સમુદ્રી જળમાંથી મીઠું પાણી તૈયાર કરવાની સાથે શીતલનની જરૂરિયાત પણ પૂરી કરી શકે. સામાન્ય રીતે આ બંને કાર્યો માટે અલગ-અલગ પ્રણાલીઓની જરૂર હોય છે. અમે બંને પ્રક્રિયાઓને એકીકૃત કરી ઊર્જાના બહેતર ઉપયોગની સંભાવના વિકસાવી છે. સૌર ઊર્જાથી તેનું સંચાલન તેને તે દરિયાકાંઠાના અને અંતરિયાળ વિસ્તારો માટે ઉપયોગી બનાવી શકે છે, જ્યાં પીવાનું પાણી અને વીજળીની ઉપલબ્ધતા પડકાર બનેલી છે.”
આ રીતે ખારું પાણી બને છે મીઠું
તેમણે જણાવ્યું કે, આ ટેકનોલોજીમાં પહેલા આસપાસની હવાને ગરમ કરીને ભેજયુક્ત કરવાના એકમમાંથી પસાર કરવામાં આવે છે. આ દરમિયાન હવા સમુદ્રી અથવા ખારા પાણીમાંથી ભેજ ગ્રહણ કરે છે. ત્યારબાદ ભેજવાળી હવાને ઠંડી કરવામાં આવે છે, જેનાથી તેમાં રહેલી જળબાષ્પ સંઘનિત થઈને પાણીના ટીપાંમાં ફેરવાઈ જાય છે. આ ટીપાંઓને એકત્ર કરીને મીઠું પાણી મેળવવામાં આવે છે. આ જ પ્રક્રિયામાં નીકળતી ઠંડી અને ભેજ રહિત હવાનો ઉપયોગ શીતલન માટે કરી શકાય છે.
પાંચ સંચાલન વિકલ્પ, જરૂરિયાત મુજબ ઉત્પાદન
આ પ્રણાલીની વિશેષતા તેના અલગ-અલગ સંચાલન માળખાં છે. તેના માધ્યમથી હવામાન, વાતાવરણનો ભેજ અને સ્થાનિક જરૂરિયાતો અનુસાર પાણીના ઉત્પાદન તથા શીતલન વચ્ચે સંતુલન જાળવી શકાય છે. પીવાના પાણીની માંગ વધુ હોય ત્યારે બહુ-તબક્કાવાર સંચાલનથી ઉત્પાદન વધારવાની અને ગરમી તથા ભેજ વધુ હોય ત્યારે શીતલનને પ્રાથમિકતા આપવાની વ્યવસ્થા છે. સંશોધનમાં જોડાયેલા પ્રોફેસર શાંતનુ પ્રસાદ દત્તાનું કહેવું છે કે, “આ સંશોધનની મુખ્ય વિશેષતા તેનું પાંચ અલગ-અલગ સંચાલન માળખાંમાં કામ કરવું છે. હવામાન, વાતાવરણનો ભેજ અને સ્થાનિક જરૂરિયાતો અનુસાર મીઠા પાણીના ઉત્પાદન તથા શીતલન વચ્ચે સંતુલન બનાવી શકાય છે. પ્રયોગશાળા પરીક્ષણોમાં અમે કલાક દીઠ 12.4 લિટર સુધી મીઠા પાણીનું ઉત્પાદન અને 6.57 કિલોવોટ સુધીની શીતલન ક્ષમતા પ્રદર્શિત કરી છે. આ પરિણામો આ એકીકૃત ટેકનોલોજીની સંભાવનાઓને સામે રાખે છે.”
30 પૈસા પ્રતિ લિટર સુધીનો અંદાજિત ખર્ચ
સંશોધકોએ વિવિધ ઋતુઓ અને આસપાસની પરિસ્થિતિઓમાં પ્રણાલીનું પ્રદર્શન ચકાસવા માટે પ્રયોગશાળા સ્તરનો નમૂનો તૈયાર કર્યો. પરીક્ષણોમાં વધુ ભેજવાળી પરિસ્થિતિઓમાં બેવડા તબક્કાના માળખાથી કલાક દીઠ 12.4 લિટર સુધી મીઠા પાણીનું ઉત્પાદન નોંધાયું હતું. અલગ-અલગ સંચાલન સ્થિતિઓમાં મહત્તમ 6.57 કિલોવોટ શીતલન ક્ષમતા પ્રદર્શિત થઈ. પ્રણાલીમાંથી નીકળતી હવાનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી ઓછું નોંધાયું હતું.
આ નમૂનાને ભારતીય આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને દરરોજ અંદાજે 200 લિટર મીઠા પાણીના ઉત્પાદનના લક્ષ્ય સાથે વિકસાવવામાં આવ્યો છે. સંશોધકોના આર્થિક મૂલ્યાંકનમાં મીઠા પાણીનો લઘુત્તમ અંદાજિત ઉત્પાદન ખર્ચ 30 પૈસા પ્રતિ લિટર સામે આવ્યો છે. આ પ્રયોગશાળા આધારિત મૂલ્યાંકન છે, જ્યારે તેના વ્યાવસાયિક સ્તરે ઉપયોગ કરવા પર આ ખર્ચ તેનાથી ઘણો ઓછો આવવાની વાત કહેવામાં આવી રહી છે.
આ સંશોધનમાં યોગદાન આપનારા સંશોધક કે. સાઈ સંદીપના પ્રસ્તાવ મુજબ, “આ પ્રણાલીના વિકાસમાં અમારો પ્રયાસ તેની કાર્યક્ષમતાને વાસ્તવિક પરિસ્થિતિઓ મુજબ ચકાસવાનો રહ્યો છે. તેમાં હવાને ભેજયુક્ત કરવા અને સંઘનનની પ્રક્રિયાઓમાંથી પસાર કરીને પાણી મેળવવામાં આવે છે. આ દરમિયાન નીકળતી ઠંડી અને ભેજ રહિત હવાનો ઉપયોગ શીતલન માટે કરી શકાય છે. આગળ પ્રાદેશિક પરીક્ષણ અને ટેકનિકલ સુધારાના માધ્યમથી તેને દરિયાકાંઠાના ગામો તથા ટાપુ વિસ્તારોની જરૂરિયાતો મુજબ વિકસાવવાની સંભાવનાઓ છે.”
દરિયાકાંઠાના ગામો અને ટાપુઓ માટે ખુલશે સંભાવનાઓ
નોંધનીય છે કે, ભારતમાં ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સુધીના વિશાળ દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક ગામો અને વસાહતો છે, જ્યાં મીઠા પાણીની ઉપલબ્ધતા પડકારરૂપ રહે છે. લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબાર જેવા ટાપુ વિસ્તારોમાં મર્યાદિત કુદરતી જળ સ્ત્રોતોને કારણે જળ પુરવઠાની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. આવા વિસ્તારોમાં સૌર ઊર્જા આધારિત આ પ્રણાલી સ્થાનિક સ્તરે પીવાનું પાણી અને શીતલનની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો વિકલ્પ બની શકે છે.
દેશમાં ચેન્નાઈના મિંજૂર અને નેમેલીમાં મોટા ક્ષારમુક્ત કરવાના પ્લાન્ટ કાર્યરત છે. લક્ષદ્વીપના કવરત્તી, અગત્તી અને મિનિકોયમાં પણ સમુદ્રી જળને પીવાના પાણીમાં ફેરવવાની વ્યવસ્થા છે. બીઆઈટીએસનું સંશોધન આ પ્રયાસોમાં એક નવો આયામ ઉમેરે છે, કારણ કે તેમાં જળ ઉત્પાદનની સાથે શીતલનને પણ સામેલ કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય સંશોધન સાથે જોડાયેલી ભારતીય સિદ્ધિ
સમુદ્રી જળને ક્ષારમુક્ત કરવા અને શીતલનને એકીકૃત કરવા પર વિશ્વના અનેક દેશોમાં સંશોધનો થઈ રહ્યા છે. વર્ષ 2020 માં ‘એનર્જી કન્વર્ઝન એન્ડ મેનેજમેન્ટ’, વર્ષ 2023 માં ‘એપ્લાઇડ થર્મલ એન્જિનિયરિંગ’ અને વર્ષ 2024 માં ‘ઇન્ટરનેશનલ જર્નલ ઓફ રેફ્રિજરેશન’ માં આ પ્રકારની ટેકનોલોજી પર અભ્યાસ પ્રકાશિત થયા છે. બીઆઈટીએસના સંશોધકોનું યોગદાન ભારતીય આબોહવાની પરિસ્થિતિઓ મુજબ એકીકૃત પ્રણાલી વિકસાવવા અને તેની પેટન્ટ મેળવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.
આ સંશોધનના તારણો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પત્રિકા ‘એપ્લાઇડ થર્મલ એન્જિનિયરિંગ’ માં પ્રકાશિત થયા છે. હવે સંશોધન ટીમ વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં તેના પરીક્ષણ અને ઔદ્યોગિક સંસ્થાઓના સહયોગથી આગળ વિકાસની સંભાવનાઓ શોધી રહી છે. બીજી તરફ, પ્રયોગશાળામાંથી બહાર નીકળીને મોટા સ્તરે તેનું સફળ પ્રદર્શન આ ટેકનોલોજીના વ્યવહારિક ઉપયોગની દિશામાં આગામી મહત્વનું ચરણ હશે.
હિન્દુસ્થાન સમાચાર/ ડૉ. મયંક ચતુર્વેદી/ મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ