
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) તેલંગાણામાં 40.96 કરોડ રૂપિયાના સરકારી ધાનની ઉચાપત સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટે (ઈડી) ખાનાપુરના પૂર્વ ધારાસભ્ય અજમેરા રેખા નાઈક સાથે જોડાયેલી ફર્મ એઆરએસ ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક પરિસરો પર દરોડા પાડ્યા છે. શુક્રવારે શરૂ થયેલી આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ અને વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. નિર્મલ જિલ્લામાં તપાસ અભિયાન ચાલુ છે.
ઈડીના જણાવ્યા અનુસાર, તેલંગાણા પોલીસ દ્વારા 19 ઓગસ્ટે ખાનાપુર પોલીસ સ્ટેશનમાં આ કેસમાં પ્રાથમિક તપાસ અહેવાલ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો હતો. જેમાં અજમેરા રેખા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 316(2), 316(5) અને 318(4) તથા આવશ્યક વસ્તુ અધિનિયમ, 1955ની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઈડીએ જણાવ્યું કે, એફઆઈઆર મુજબ રેખા નાઈક એઆરએસ ઇન્ડસ્ટ્રીઝના માલિક છે. તેમના પર જાણી જોઈને સરકારી ડાંગરના જથ્થાની ઉચાપત કરવાનો અને સરકારને 40,96,96,834 રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આરોપ છે. ઈડીએ આ જ એફઆઈઆરના આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ), 2002 હેઠળ કેસ નોંધ્યો છે.
ઈડીના મતે, સંબંધિત ફર્મે કરારો હેઠળ કસ્ટમ મિલ્ડ રાઈસ (સીએમઆર)નો પુરવઠો પૂરો પાડ્યો ન હતો. જેનાથી સરકારને 40.96 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને આરોપીઓને ગેરકાયદેસર આર્થિક લાભ મળ્યો. તેલંગાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ જે ગુનાનો એફઆઈઆરમાં સમાવેશ કર્યો છે, તે પીએમએલએની અનુસૂચિના ભાગ-એમાં સૂચિબદ્ધ છે. એજન્સીએ જણાવ્યું કે કેસમાં આગળની તપાસ અને શોધખોળ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ