બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નહિ, પ્રજાસત્તાકનું નૈતિક માર્ગદર્શક: રાધાકૃષ્ણન
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે જણાવ્યું હતું કે, બંધારણના મૂલ્યોને મજબૂત કરવા માટે નાગરિકોએ પોતાના અધિકારોની સાથે ફરજોનું પણ સમાન મહત્તવ સમજવું પડશે. લોકશાહી ત્યારે જ મજબૂત થશે, જ્યારે સંસ્થાઓ જવાબદેહ રહે,
બેનેટ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો દ્વારા યોજાયેલા પાંચમા બંધારણ સપ્તાહ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.): ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને શુક્રવારે જણાવ્યું હતું કે, બંધારણના મૂલ્યોને મજબૂત કરવા માટે નાગરિકોએ પોતાના અધિકારોની સાથે ફરજોનું પણ સમાન મહત્તવ સમજવું પડશે. લોકશાહી ત્યારે જ મજબૂત થશે, જ્યારે સંસ્થાઓ જવાબદેહ રહે, અસહમતિનું સન્માન થાય અને નાગરિકો જવાબદારી સાથે પોતાના અધિકારો તથા ફરજોનું પાલન કરે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નથી, પરંતુ દેશના પ્રજાસત્તાકનું નૈતિક માર્ગદર્શક છે.

ઉપરાષ્ટ્રપતિ સચિવાલયના જણાવ્યા અનુસાર, રાધાકૃષ્ણને કન્સ્ટીટ્યુશન ક્લબમાં બેનેટ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ લો દ્વારા યોજાયેલા પાંચમા બંધારણ સપ્તાહ સમારોહ 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે તેમણે જણાવ્યું હતું કે બંધારણીય મૂલ્યો માત્ર સંસ્થાઓ અને કાનૂની પુસ્તકો સુધી મર્યાદિત ન રહેવા જોઈએ, પરંતુ તેમણે સામાન્ય નાગરિકોના દૈનિક જીવનનો ભાગ બનવું જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે, આશરે 50 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ગરીબો માટે ચાર કરોડ પાકા મકાનો બનાવવામાં આવ્યા છે. જલ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં નળથી પાણીની પહોંચ 82 ટકાથી વધુ થઈ ગઈ છે. ક્યારેક વિકાસની દોડમાં પાછળ રહેલા સરહદી ગામો હવે જીવંત ગામો તરીકે ઉભરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ આ ઉપલબ્ધિઓને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવેલો બદલાવ ગણાવ્યો હતો.

મહિલા સશક્તિકરણનો ઉલ્લેખ કરતા ઉપરાષ્ટ્રપતિએ, બંધારણ સભાના 15 મહિલા સભ્યોના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નારી શક્તિ વંદન અધિનિયમ જેવી પહેલો તેમની વિચારસરણીને આગળ વધારી રહી છે. દેશમાં મહિલાઓ હવે માત્ર વિકાસની લાભાર્થી નહીં, પરંતુ વિકાસનું નેતૃત્વ કરનારી સક્રિય ભાગીદાર બની રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ 21 નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, સમયની સાથે તેના વ્યાપમાં ગરિમા, આજીવિકા, સ્વાસ્થ્ય, આવાસ, ગોપનીયતા, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ જેવા અધિકારો સામેલ થયા છે. તેમણે વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખવાની જરૂરિયાત જણાવી હતી. કુદરતી સંસાધનોનો ઉપયોગ લોકોનું જીવન ધોરણ બેહતર બનાવવા માટે થવો જોઈએ, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે તેની ઉપલબ્ધતા પણ સુનિશ્ચિત કરવી પડશે. તેમણે બિનજરૂરી ઉપભોક્તાવાદથી બચવા અને જવાબદાર જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, તકનીકનો ઉપયોગ માનવતાની સેવા માટે થવો જોઈએ અને તેનું માર્ગદર્શન બંધારણીય મૂલ્યોના આધારે થવું જોઈએ. નવાચારથી નાગરિકોને સશક્ત બનાવવામાં, પારદર્શિતા વધારવામાં અને તકો સુધી પહોંચ સરળ બનાવવામાં મદદ મળવી જોઈએ.

આ અવસરે કેન્દ્રીય કાનૂની અને ન્યાય તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલ, એટર્ની જનરલ આર. વેંકટરમણી, બેનેટ યુનિવર્સિટીના કુલ્યાધિપતિ અને ટાઇમ્સ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈન તથા યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રાજ સિંહ સહિત અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત હતા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande