
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.): કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 અંતર્ગત 1.75 લાખ નવા મકાનોના નિર્માણને મંજૂરી આપી છે. આ ઉપરાંત 1.5 લાખ મકાનો માટે સિદ્ધાંતિક મંજૂરી પણ આપવામાં આવી છે. આની સાથે જ યોજના અંતર્ગત મંજૂર કરાયેલા મકાનોની કુલ સંખ્યા 24.15 લાખથી વધુ થઈ ગઈ છે.
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અનુસાર કેન્દ્રીય મંજૂરી અને નિરીક્ષણ સમિતિની 11મી બેઠક 19 નવેમ્બરે શહેરી વિકાસ વિભાગના સચિવ સત્યેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મકાનોના નિર્માણ સાથે જોડાયેલા પ્રસ્તાવો પર વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં અસમ, ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં લાભાર્થી આધારિત નિર્માણ તથા ભાગીદારીમાં પરવડે તેવા આવાસ શ્રેણીઓ અંતર્ગત 1.75 લાખ મકાનોને મંજૂરી આપવામાં આવી.
આમાં અસમના 4,841, ગોવાના છ, ગુજરાતના 5,793, મધ્ય પ્રદેશના 10,913, મહારાષ્ટ્રના 19,778, ઓડિશાના 2,681, પોંડીચેરીના 937, રાજસ્થાનના 4,572, તમિલનાડુના 14,350, ઉત્તર પ્રદેશના 1,01,493 અને પશ્ચિમ બંગાળના 10,159 મકાનો સામેલ છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં 1,27,349 અને મહારાષ્ટ્રમાં 22,484 મકાનો માટે સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવો પર અંતિમ મંજૂરી સંબંધિત રાજ્યો તરફથી જરૂરી અનુપાલન અને યોજનાના દિશા-નિર્દેશોનું પાલન કરવા પર નિર્ભર રહેશે.
સચિવ સત્યેન્દ્ર સિંહે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મંજૂર કરાયેલી નાણાકીય રકમનો સમયસર ઉપયોગ કરવા અને લાભાર્થીઓ તથા અમલીકરણ એજન્સીઓને સમયસર રકમ જારી કરવા કહ્યું. તેમણે મકાનોનું નિરીક્ષણ મજબૂત કરવા, જિઓ-ટૅગિંગ અને પેન્ડિંગ અરજીઓનું નક્કી કરેલા સમયમાં ચકાસણી પૂર્ણ કરવાના નિર્દેશ પણ આપ્યા.
બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરવડે તેવા આવાસ માટે વ્યાપક નીતિઓ બનાવવા અને જરૂરી સુધારાઓ લાગુ કરવાની સલાહ આપવામાં આવી. યોજનામાં મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ અંતર્ગત સમાજના નબળા વર્ગોની આવાસની જરૂરિયાતો પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 સપ્ટેમ્બર 2024માં શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગ, નિમ્ન આવક વર્ગ અને મધ્યમ આવક વર્ગના એક કરોડ વધારાના પાત્ર પરિવારોને પાકું મકાન બનાવવા અથવા ખરીદવામાં સહાય આપવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અને તેના બીજા તબક્કા અંતર્ગત અત્યાર સુધી કુલ 1.29 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી 1.01 કરોડ મકાનોનું નિર્માણ પૂરું થઈ ચૂક્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ