બોત્સ્વાનાથી લાવવામાં આવેલી માદા ચિત્તાએ- જંગલમાં ચાર બચ્ચાને જન્મ આપ્યો, ભૂપેન્દ્ર યાદવે આને પ્રોજેક્ટ ચિત્તા માટે, ગણાવી ઐતિહાસિક સિદ્ધિ
નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતમાં ચિત્તા સંરક્ષણ અને તેમની વસ્તીને ફરીથી સ્થાપિત કરવાની ઝુંબેશને મોટી સફળતા મળી છે. બોત્સ્વાનાથી લાવવામાં આવેલી અઢી વર્ષની માદા ચિત્તા ‘કેઓએમજી-3’ એ શુક્રવારે જંગલમાં ચાર સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો. આ સાથે જ દેશમ
ચિતા


નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ભારતમાં ચિત્તા સંરક્ષણ અને તેમની વસ્તીને ફરીથી સ્થાપિત કરવાની ઝુંબેશને મોટી સફળતા મળી છે. બોત્સ્વાનાથી લાવવામાં આવેલી અઢી વર્ષની માદા ચિત્તા ‘કેઓએમજી-3’ એ શુક્રવારે જંગલમાં ચાર સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યો. આ સાથે જ દેશમાં ચિત્તાઓની કુલ સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. આમાં 43 ચિત્તા ભારતમાં જ જન્મેલા છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી સહિયારી કરી.

તેમણે જણાવ્યું કે, બોત્સ્વાનાથી લાવવામાં આવેલી આ પ્રથમ માદા ચિત્તા છે, જેણે ભારતમાં બચ્ચાને જન્મ આપ્યો છે. ખાસ વાત એ છે કે, બચ્ચાના જન્મ પહેલા માદા ચિત્તા ચાર મહિનાથી વધુ સમય સુધી જંગલમાં કુદરતી પરિસ્થિતિઓમાં રહી. વર્ષ 2022 માં ચિત્તા પુનર્વસન કાર્યક્રમ શરૂ થયા પછી જંગલમાં બચ્ચાના જન્મની આ બીજી નોંધાયેલી ઘટના છે. ભૂપેન્દ્ર યાદવે આને પ્રોજેક્ટ ચિત્તા માટે ઐતિહાસિક સિદ્ધિ અને ભારતમાં ચિત્તાઓની સ્થાયી વસ્તી સ્થાપિત કરવાની દિશામાં ગર્વની ક્ષણ ગણાવી.

તેમણે કહ્યું કે, દરેક નવો જન્મ સંરક્ષણની આશાને મજબૂત કરે છે અને વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ ઊંડી બનાવે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વન્યજીવ સંરક્ષણ માટે ધીરજ, સતત પ્રયત્ન અને સામૂહિક ભાગીદારી જરૂરી છે. તેમણે પ્રોજેક્ટ ચિત્તાની સફળતા માટે પરિયોજના પ્રબંધકો, પશુ ચિકિત્સકો, વન વિભાગના અગ્રિમ હરોળના કર્મચારીઓ અને આની સાથે જોડાયેલા તમામ નિષ્ણાતોના સમર્પણ, પ્રતિબદ્ધતા અને સખત મહેનતની પ્રશંસા કરી.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande