
- ભોપાલના આઈસીએઆર-એનઆઈએચએસએડી દ્વારા વિકસાવવામાં આવી છે
ભોપાલ, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.). બર્ડ ફ્લૂના સંક્રમણથી મરઘીઓને બચાવવાની દિશામાં ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભોપાલ સ્થિત ભારતીય કૃષિ સંશોધન પરિષદ (આઈસીએઆર) ની રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુ રોગ સંસ્થા (એનઆઈએચએસએડી) ના વૈજ્ઞાનિકોએ દેશની પ્રથમ સ્વદેશી એચ5એન1 ચિકન રસી વિકસાવી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આજે ભોપાલમાં આ રસી રાષ્ટ્રને સમર્પિત કરશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી ચૌહાણે સોશિયલ મીડિયા પર એક વિડિયો મૂક્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે બર્ડ ફ્લૂ એક એવો રોગ છે, જે જો ફેલાય તો ભારે નુકસાન કરે છે. મોટી સંખ્યામાં મરઘીઓ તો મૃત્યુ પામે જ છે, પરંતુ મરઘીઓમાંથી મનુષ્યોમાં પણ આ રોગ ફેલાવવાનો ભય રહે છે અને અત્યાર સુધીમાં 500 વખત બર્ડ ફ્લૂનો પ્રકોપ આપણા દેશમાં થઈ ચૂક્યો છે, પરંતુ હવે ડરવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે, ભારતીય કૃષિ સંશોધન પરિષદની નિસાદ સંસ્થાએ એક એવી સ્વદેશી રસી બનાવી લીધી છે, જે મરઘીઓને જો આપવામાં આવે તો તેઓ બર્ડ ફ્લૂ રોગથી બચી શકશે અને માત્ર મરઘીઓ જ નહીં બચે, મરઘીઓના બચવાની સાથે-સાથે મનુષ્યોમાં પણ આ બીમારી નહીં ફેલાય અને જે આ મહામારીના કારણે નુકસાન થાય છે, તે નુકસાનથી બચી શકાશે. આ સંપૂર્ણપણે સ્વદેશી રસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી બની છે, જે આજે દેશને સમર્પિત કરવામાં આવી રહી છે.
ભોપાલમાં વિકસિત આ સ્વદેશી રસીને બર્ડ ફ્લૂ સામે દેશની તૈયારી મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આ રસી એચ5એન1 એવિયન ઇન્ફ્લુએન્ઝા વાયરસના ક્લેડ 2.3.2.1એ સ્વરૂપ સામે તૈયાર કરવામાં આવી છે. આ વાયરસ મરઘીઓમાં અત્યંત ચેપી બર્ડ ફ્લૂનું કારણ બને છે. સંસ્થાએ તેને નિષ્ક્રિય (ઇનએક્ટિવેટેડ) તકનીકથી વિકસાવી છે.
તેનો ઉદ્દેશ્ય મરઘીઓને સંક્રમણથી સુરક્ષા પૂરી પાડવી અને મરઘા ઉછેર ક્ષેત્રમાં રોગના પ્રસારને નિયંત્રિત કરવાની ક્ષમતા વધારવાનો છે. આ સિદ્ધિથી પશુ રોગોના નિયંત્રણ અને રસીના સ્વદેશી વિકાસના ક્ષેત્રમાં દેશની સંશોધન ક્ષમતાને મજબૂતી મળવાની આશા છે.
સંક્રમણથી મરઘા ઉછેર વ્યવસાયને થાય છે ભારે નુકસાન બર્ડ ફ્લૂ એટલે કે અત્યંત રોગકારક એવિયન ઇન્ફ્લુએન્ઝા મરઘીઓ અને અન્ય પક્ષીઓને અસર કરતો ગંભીર રોગ છે. તેના સંક્રમણથી અસરગ્રસ્ત પક્ષીઓમાં મૃત્યુદર લગભગ 100 ટકા સુધી પહોંચી શકે છે. રોગ ફેલાવા પર મોટા પાયે પક્ષીઓનો નાશ કરવો પડે છે. આ ઉપરાંત અવરજવર અને વેપાર પર પ્રતિબંધ લાગવાથી મરઘા ઉછેર વ્યવસાયીઓ અને મરઘા પાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે.
રસીના પરીક્ષણમાં છ મહિના સુધી સુરક્ષાનો દાવો સંસ્થાના પરીક્ષણો અંગે પ્રકાશિત માહિતી મુજબ, રસી આપવામાં આવેલી મરઘીઓમાં છ મહિના સુધી સુરક્ષા જોવા મળી હતી. પરીક્ષણમાં રસી અપાયેલી મરઘીઓના સંપર્કમાં રાખવામાં આવેલી અન્ય મરઘીઓમાં સંક્રમણના પ્રસારને રોકવાના પરિણામો પણ સામે આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકેશ તોમર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ