
નવી દિલ્હી, 20 નવેમ્બર. કેન્દ્ર સરકારે વિશ્વ શૌચાલય દિવસના અવસરે ગ્રામીણ વિસ્તારોમાં સામુદાયિક અને સંસ્થાકીય શૌચાલયોની કાર્યક્ષમતા તથા સુગમતામાં સુધારો કરવા માટે ‘સ્વચ્છ શૌચાલય–ગૌરવશાળી ભવિષ્ય’ અભિયાન 19 નવેમ્બરથી શરૂ કર્યું છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ચાલનારું આ રાષ્ટ્રવ્યાપી અભિયાન 10 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. તેનું સમાપન માનવાધિકાર દિવસ પર થશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગના સંયુક્ત સચિવ અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના રાષ્ટ્રીય મિશન નિયામક ઐશ્વર્યા સિંહે, 19 નવેમ્બરના રોજ અભિયાન અને તેના રિપોર્ટિંગ મોડ્યુલનો ઈ-શુભારંભ કર્યો. આ માધ્યમથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અભિયાન હેઠળ થયેલી પ્રગતિની જાણકારી આપી શકશે. કાર્યક્રમમાં વિભાગના અધિકારીઓએ મિશનની પ્રગતિની જાણકારી પણ આપી. તે મુજબ, આશરે 89.9 ટકા ગામો ઓડીએફ પ્લસ (મોડેલ)નો દરજ્જો પ્રાપ્ત કરી ચૂક્યા છે.
સંયુક્ત રાષ્ટ્રે, વિશ્વ શૌચાલય દિવસ 2026નો વિષય ‘સુરક્ષિત શૌચાલય, સમાન ભવિષ્ય’ રાખ્યો છે. આ સ્વચ્છતાને લૈંગિક સમાનતા સાથે જોડે છે. તેને અનુરૂપ અભિયાનમાં ગ્રામીણ સ્વચ્છતા સુવિધાઓને બહેતર બનાવવાની સાથે મહિલાઓ, વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
અભિયાન હેઠળ ગામોમાં સામુદાયિક સ્વચ્છતા સંકુલ અને શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તથા પંચાયત ઘરો જેવી સંસ્થાઓના શૌચાલયોની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. જરૂરિયાત મુજબ તેમના સમારકામ, જાળવણી અને પુનઃસ્થાપનાના કામો કરવામાં આવશે. વ્યક્તિગત ઘરેલું શૌચાલયોના સમારકામ અને જાળવણી માટે પણ પરિવારોને પ્રેરિત કરવામાં આવશે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તરફથી નક્કી કરેલા લક્ષ્યાંકો મુજબ, જ્યાં શક્ય હશે ત્યાં એક ખાડાવાળા શૌચાલયોને બે ખાડાવાળા શૌચાલયોમાં અને શોષ ખાડા વગરના સેપ્ટિક ટેન્કને શોષ ખાડા યુક્ત સેપ્ટિક ટેન્કમાં બદલવાની યોજના પણ બનાવવામાં આવશે.
અભિયાનમાં મળ કાદવ વ્યવસ્થાપન માટે યાંત્રિક નિકાલની જરૂરિયાત અને વ્યવસ્થાનું મૂલ્યાંકન, સામુદાયિક તથા સંસ્થાકીય શૌચાલયોની જાળવણીની વ્યવસ્થા મજબૂત કરવા અને તેમને સ્વચ્છ, આકર્ષક તથા ઉપયોગ માટે અનુકૂળ બનાવવા પર પણ ભાર રહેશે. આ હેઠળ સ્થાનિક દીવાલ ચિત્રો, સંકેતકો અને આસપાસના પરિસરમાં સુધારાને પ્રોત્સાહિત કરવામાં આવશે. ગામોમાં ખુલ્લામાં શૌચ મુક્તિ (ઓડીએફ)ની સ્થિતિને જાળવી રાખવા માટે વર્તન પરિવર્તન અને જાગૃતિ પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવશે.
આ ઉપરાંત, ગામો અને ગ્રામ પંચાયતોમાં સ્વચ્છ સેવા મૂલ્યાંકનની સ્થિતિની સમીક્ષા કરી તેને 30 નવેમ્બર સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અભિયાનમાં વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા, સાબુથી હાથ ધોવા, મળ કાદવ વ્યવસ્થાપન, ઘન કચરા વ્યવસ્થાપન નિયમ, 2026નું પાલન અને કચરાના ચાર શ્રેણીઓમાં અલગીકરણ પ્રત્યે પણ જાગૃતિ વધારવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત, મધ્ય પ્રદેશ, સિક્કિમ અને કર્ણાટકની સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ટીમોએ અભિયાન માટે પોતાની કાર્યયોજનાઓ સહિયારી કરી. ઐશ્વર્યા સિંહે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમોને શાળા વ્યવસ્થાપન સમિતિઓ અને સંબંધિત વિભાગો સાથે સંકલન કરી વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા તથા શાળાઓમાં સ્વચ્છતા ઓડિટ કરાવવા આહવાન કર્યું. તેમણે પ્રવાસન સ્થળો સહિત વધુ જાહેર અવરજવરવાળા સ્થળો પર સ્વચ્છ અને કાર્યરત સામુદાયિક શૌચાલયોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
અભિયાન હેઠળ શાળાના બાળકોને સ્વચ્છતા અને સાફ-સફાઈ પ્રત્યે જાગૃત કરવાની સાથે સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ પક્ષોની ભાગીદારી સુનિશ્ચિત કરી જનભાગીદારીના માધ્યમથી સંપૂર્ણ સ્વચ્છતાના લક્ષ્યને પ્રાપ્ત કરવાની અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ