
ડિંડીગુલ, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) તમિલનાડુના કોડાઈકનાલમાં લગ્ન પછી આયોજિત રિસેપ્શન અને ગૃહ પ્રવેશ સમારંભમાં હાજરી આપીને પાછા ફરી રહેલા સંબંધીઓની વેન 100 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી. અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા. દુર્ઘટના પછી પલાની વિસ્તારમાં શોકની લહેર ફરી વળી.
ડીંડીગુલ જિલ્લાના પલાની સ્થિત મદીના નગરના નિવાસી ફૂલોના વેપારી મુજીબ રહેમાનની દીકરીના લગ્ન 15 નવેમ્બરે કોડાઇકનાલના મુન્જિકલ નિવાસી એક યુવક સાથે થયા હતા. આ પછી 19 નવેમ્બરે કોડાઇકનાલના મુન્જિકલ પાસે આયોજિત રિસેપ્શન અને ગૃહપ્રવેશ સમારંભમાં હાજરી આપીને પરિવારના લોકો પલાની પરત ફરી રહ્યા હતા. વેનમાં પલાનીના મદીના નગર, મોટી મસ્જિદ સ્ટ્રીટ અને ઉદુમલપેટના કુલ 19 સંબંધીઓ સવાર હતા.
આ દરમિયાન સવરિકાડુ પાસે ચાલકે વેન પરથી નિયંત્રણ ગુમાવ્યું અને વાહન લગભગ 100 ફૂટ ઊંડી ખાઇમાં પલટી ગયું. દુર્ઘટના બાદ વેનમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા.
અકસ્માતની જાણ થતાં જ પલાની અને કોડાઇકનાલના અગ્નિશામક વિભાગના કર્મચારીઓ તથા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. સ્થાનિક લોકોની મદદથી ખાઇમાં ઊતરીને મોટા પાયે બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું.
રાતનો સમય અને ઘાટું જંગલ હોવાના કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમ છતાં દિંડીગુલના પોલીસ અધિક્ષક જયકુમાર પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ અભિયાન ઝડપી બનાવવાના નિર્દેશ આપ્યા. અગ્નિશામક કર્મચારીઓએ પ્રકાશની વ્યવસ્થા કરીને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા.
જોકે, આ દુર્ઘટનામાં પલાનીની મોટી મસ્જિદ સ્ટ્રીટના નિવાસી દુલ્હનના દાદા નિઝામુદ્દીન (75), પિતરાઈ ભાઈ શેખ ફરીદ અને મોટા બાપા અબ્બાસ (61)નું મોત થઈ ગયું. જ્યારે, 12 વર્ષીય બાળકના સમેત ઘણા ઇજાગ્રસ્તોને બચાવીને પલાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્રણથી ચાર અન્ય લોકો આસપાસની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
અકસ્માતની જાણકારી મળ્યા બાદ, મૃતકોના સ્વજનો અને ઇજાગ્રસ્તોના સંબંધીઓ સમેત સેંકડો લોકો પલાની સરકારી હોસ્પિટલ પહોંચી ગયા. તેનાથી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોના ખબર-અંતર પૂછવા માટે દિંડીગુલના સાંસદ સચ્ચિદાનંદમ, પલાનીના અન્નાદ્રમુક ધારાસભ્ય રવિમનોહરન અને તમિળગા વેત્રી કષગમના પશ્ચિમી જિલ્લા કારોબારી સભ્ય બાલન સમેત વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો હોસ્પિટલ પહોંચ્યા. તેમણે ઇજાગ્રસ્તો અને તેમના સ્વજનોને સાંત્વના આપી.
પોલીસ આ આખા મામલાની તપાસ કરી રહી છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોતથી પલાની વિસ્તારમાં ઘેરો શોક વ્યાપી ગયો છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ