
-માતાનો સ્નેહ અને આશીર્વાદ જીવનની અનમોલ મૂડી: મુખ્યમંત્રી ધામી
દેહરાદુન, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના માતા સાવિત્રી દેવીનું શુક્રવારે આશરે 89 વર્ષની વયે અવસાન થયું. તેમણે ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર બ્લોક સ્થિત તેમના વતન ગામ પંચૂર ખાતે શુક્રવારે સવારે આશરે 11 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. માહિતી અનુસાર, શનિવારે હરિદ્વાર ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
તેમના અવસાનના સમાચારથી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં શોકની લહેર છે. પરિવાર, સગાંસંબંધીઓ, રાજકીય, સામાજિક અને વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોએ સાવિત્રી દેવીના અવસાન પર દુઃખ વ્યક્ત કરતાં શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પ્રગટ કરી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તેમની માતા સાથેની છેલ્લી મુલાકાત આ જ વર્ષના મે મહિનામાં થઈ હતી. 7 મેના રોજ તેમના બે દિવસીય ઉત્તરાખંડ પ્રવાસ દરમિયાન તેઓ વતન ગામ પંચૂર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ગામમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાની સાથે સ્વજનો સાથે મુલાકાત કરી હતી.
8 મેના રોજ વિવિધ કાર્યક્રમો બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના વતનવાડા પહોંચ્યા હતા, જ્યાં તેમણે તેમની માતા સાવિત્રી દેવી સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લીધા હતા. માતા અને પુત્રની આ મુલાકાત હવે તેમની છેલ્લી મુલાકાત સાબિત થઈ છે. સાવિત્રી દેવીના અવસાનથી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં તેમના શુભેચ્છકોમાં શોક છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ સાવિત્રી દેવીના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર જારી કરેલા તેમના શોક સંદેશમાં જણાવ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પૂજ્ય માતાજી સાવિત્રી દેવીના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. માતાનો સ્નેહ, આશીર્વાદ અને મમત્વ જીવનની સૌથી અનમોલ મૂડી હોય છે. તેમનું અવસાન પરિવાર માટે અપૂરતી ખોટ છે.
મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે જીવનમાં માતાનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેમનો સ્નેહ અને આશીર્વાદ વ્યક્તિને આજીવન સંબળ પૂરું પાડે છે. આવા કઠિન સમયમાં માતાનો સાથ છૂટવો પરિવાર માટે અત્યંત પીડાદાયક હોય છે. તેમણે દુઃખની આ ઘડીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના સમગ્ર પરિવાર પ્રત્યે તેમની ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરી.
ધામીએ બાબા કેદારનાથને પ્રાર્થના કરતા કહ્યું કે, દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે અને શોકાતુર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સમગ્ર પરિવારને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું વતન ગામ પંચૂર પૌડી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર ક્ષેત્રમાં આવેલું છે. સાવિત્રી દેવીના અવસાનથી તેમના વતન ક્ષેત્રમાં પણ શોકનું વાતાવરણ છે. ઉત્તરાખંડના લોકોએ પણ આ દુઃખદ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર પાંડેય / ડૉ. રાજેશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ