
સુરત, 21 નવેમ્બર (હિ.સ.): સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેલ્થ સેન્ટરમાં લિફ્ટ અચાનક બંધ થઈ જતાં ગર્ભવતી મહિલા સહિત 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ટેકનિકલ ખામીને કારણે લિફ્ટ અધવચ્ચે અટકી ગઈ હતી અને દરવાજા ન ખુલતા અંદર રહેલા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગને તાત્કાલિક મદદ માટે બોલાવવામાં આવ્યો હતો.
માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી સાધનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. લિફ્ટમાં ગર્ભવતી મહિલા પણ હાજર હોવાથી ટીમે ખાસ સાવચેતી રાખીને દરવાજો ખોલવાની કામગીરી હાથ ધરી હતી. થોડા જ સમયમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જોકે, હેલ્થ સેન્ટર જેવા મહત્વપૂર્ણ સ્થળે લિફ્ટ બંધ થવાની ઘટનાએ તેની નિયમિત જાળવણી અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા છે. આવી જગ્યાઓ પર લિફ્ટની સમયાંતરે તપાસ થાય તે જરૂરી બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે