
- મહિલાઓએ પારંપરિક લગ્નગીતો ગાઈ શ્રીહરિ અને વૃંદાના દિવ્ય વિવાહનો આનંદ ઉત્સવ મનાવ્યો.
સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ તીર્થ ખાતે આયોજિત શ્રી વિષ્ણુ-વૃંદા તુલસી વિવાહ મહોત્સવના બીજા દિવસે શનિવારે પરંપરાગત ધાર્મિક વિધિઓ અને લોકસંસ્કૃતિના અનોખા સંગમ સાથે સાંજી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન વિષ્ણુ અને વૃંદા દેવીના પવિત્ર વિવાહ પ્રસંગને ભારતીય લોકપરંપરાની ભાવનાથી ઉજવવા માટે મહિલાઓ દ્વારા પારંપરિક લગ્નગીતોનું ગાન કરવામાં આવ્યું હતું. લગ્નપ્રસંગે ગવાતાં મંગલગીતો, લોકગીતો અને પરંપરાગત સાંજી ગીતોથી ગોલોકધામ તીર્થનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બન્યું હતું. મહિલાઓએ ગીતોના તાલે શ્રીહરિ અને વૃંદા દેવીના લગ્નનો સાંજી ઉત્સવ મનાવી પરંપરાગત લગ્નપ્રસંગની ખુશીઓ વ્યક્ત કરી હતી.
મહોત્સવના ભાગરૂપે ભગવાન વિષ્ણુ અને વૃંદા દેવીને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર પીઠી લગાવવાની વિધિ પણ સંપન્ન કરવામાં આવી હતી. ભક્તિભાવ અને મંગલભાવનાઓ સાથે યોજાયેલી આ વિધિમાં ઉપસ્થિત મહિલાઓ અને ભક્તોએ ભગવાન શ્રીહરિ તથા વૃંદા દેવી પર હર્ષ અને આનંદ વરસાવી દિવ્ય વિવાહ પ્રસંગને લોકજીવનની લગ્નપરંપરાઓ સાથે જીવંત કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં તુલસી વિવાહ માત્ર એક ધાર્મિક અનુષ્ઠાન નહીં, પરંતુ ભક્તિ, પવિત્રતા, પ્રકૃતિ અને સામાજિક સમરસતાનું પ્રતીક છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગોલોકધામ તીર્થ ખાતે આયોજિત આ મહોત્સવના માધ્યમથી સનાતન પરંપરાઓ અને લોકસંસ્કૃતિનાં વિવિધ પાસાંઓને નવી પેઢી સુધી પહોંચાડવાનો ભાવપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આમ, તુલસી વિવાહ મહોત્સવના બીજા દિવસે પરંપરાગત સાંજી ઉત્સવ, મંગલગીતો અને પીઠીની વિધિ સાથે ગોલોકધામ તીર્થ ખાતે ભક્તિ અને આનંદનો અનોખો માહોલ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ