
- ધારાસભ્ય ભગવાન બારડે ટ્રાફિક હટાવી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા.
ગીર સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-વેરાવળ સ્ટેટ હાઇવે પર શનિવારે બપોરે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇકસવાર ઘાયલ થયા હતા. ટક્કર બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે તાત્કાલિક પોતાની કાર રોકી ડ્રાઇવર અને સ્ટાફ સાથે ઘાયલોની મદદે પહોંચ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થતાં ધારાસભ્યએ ટ્રાફિક હટાવી લોકોને રાહત અપાવી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વિના ઘાયલોને પોતાની કારમાં બેસાડી સારવાર માટે સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
ધારાસભ્યની ત્વરિત મદદ જોઈ સ્થળ પર હાજર અન્ય લોકોએ પણ સહાય માટે આગળ આવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ