
અમરેલી,21 નવેમ્બર (હિ.સ.) : લીલીયા તાલુકાના પીપળવા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાના ઉકેલની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગામના લોકોને લાંબા સમયથી પડતી મુશ્કેલી દૂર કરવાના હેતુથી બ્રિજના નિર્માણકાર્યનો શુભારંભ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, કોન્ટ્રાક્ટર સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ સ્થાનિક લોકોને અવરજવર કરવામાં મોટી રાહત મળશે તેમજ વર્ષોથી પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
શુભારંભ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ બ્રિજના નિર્માણકાર્યની કામગીરી અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી હતી. તેમણે બ્રિજનું કામ ગુણવત્તાસભર રીતે કરવામાં આવે તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
પીપળવા ગામના લોકોની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે બ્રિજનું નિર્માણકાર્ય શરૂ થતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai