રાજકોટમાં લોહિયાળ દેવ-દિવાળી : માત્ર દોઢ કલાકમાં બે-બે હત્યાથી ચકચાર
રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરમાં દેવ દિવાળીની સાંજ લોહિયાળ બની હતી. ગઈકાલે શહેરના મોરબી રોડ ઉપર તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં હત્યાના બે બનાવો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રથમ ઘટનામાં સ્કાય સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનોના માતાને ચારિત્ર્યની
હત્યા ફાઈલ ફોટો


રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) રાજકોટ શહેરમાં દેવ દિવાળીની સાંજ લોહિયાળ બની હતી. ગઈકાલે શહેરના મોરબી રોડ ઉપર તેમજ ગાંધીગ્રામ વિસ્તારમાં હત્યાના બે બનાવો સામે આવતા ચકચાર મચી ગઇ હતી. પ્રથમ ઘટનામાં સ્કાય સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનોના માતાને ચારિત્ર્યની શંકા રાખી તેના પતિએ ઝઘડો કરી ચરીના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાખ્યા બાદ પોતે પણ ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો અને ત્યાંથી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી તપાસનો ધમધમાટ શરૂ કરી પત્નીની હત્યા કરી ભાગી ગયેલા પતિની મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ કરતા જૂનાગઢ તરફ જતી બસમાંથી ઝડપી પાડ્યો હતો.

જ્યારે કે, ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો 32 વર્ષીય યુવક ગતરાતે નાણાવટી ચોક તરફ જવાના રસ્તે આવેલ એસ.કે.ચોક પાસે પાનની દુકાને ઉભો હતો ત્યારે એક્ટિવા ઉપર નીકળેલા બે શખસો સામે જોતા જ બંનેએ આવી તેની સાથે માથાકૂટ કર્યા બાદ તેના ઉપર છરીથી હુમલો કરતા જીવલેણ નીવડ્યો હતો અને લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા બાદ તેનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગણતરીની કલાકોમાં બંને શખ્સોને અટકમાં લીધા હોવાનું જાણવા મળ્યું હતું.

પુત્રવધૂને રૂમમાંથી બહાર કાઢી પ્રવીણે પત્ની શારદાબેનને છરીના આઠેક જેટલા ઘા ઝીંકી કહ્યું, 'મેં તારી સાસુને મારી નાખી'

રાજકોટના મોરબી રોડ ઉપર વેલનાથપરામાં રહેતા ગીતા વઢુકિયા બી-ડિવિઝન પોલીસમાં પોતાના સગા બનેવી મોરબી રોડ ઉપર સ્કાય સોસાયટી શેરી નં.-1, રેડ રોઝ હોટેલની પાછળ રહેતા પ્રવિણ પરસોંડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર બહેન અને બે ભાઈઓમાં બીજા નંબરના શારદાબેન ના લગ્ન 30 વર્ષ પહેલાં પ્રવીણ ઉકાભાઈ પરસોંડા સાથે થયા હતા. સંતાનમાં મોટી દીકરી પૂજાબેન, પુત્ર મયુર અને નાનો પુત્ર દર્શિત છે. શારદાબેન પોતાના પતિ, બંને પુત્રો અને મયુરની પત્ની કાજલ સાથે સ્કાય સોસાયટી, શેરી નં. 1 ખાતે રહેતા હતા. શારદાબેન મારવાડી યુનિવર્સિટીમાં સફાઈ કામ કરતા હતા. લગ્ન સમયથી પ્રવીણભાઈ કોઈ સ્થિર કામધંધો કરતા ન હોવાથી શારદાબેન છૂટક મજૂરી કરી ઘર ચલાવતા હતા. બહાર કામ કરવા જવા બાબતે પ્રવીણભાઈ પત્ની પર ખોટી શંકા રાખી અન્ય સાથે સંબંધ હોવાનું કહી અવારનવાર ઝઘડા કરતા હતા.

ગઈકાલે ફરિયાદી તથા પુત્ર પ્રતીકની પત્ની પ્રગતી સાંજના પોણા પાંચ વાગ્યાના અરસામાં મોરબી રોડ પર જકાતનાકા પાસે શુક્રવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા. દરમિયાન સાંજના આશરે સાત વાગ્યે પૂજાબેને ફોન કરીને જાણ કરી હતી કે પપ્પાએ માતાને છરીના ઘા મારી દીધા છે, તેથી તાત્કાલિક ઘરે આવો. ફરિયાદી શારદાબેનના ઘરે પહોંચ્યા ત્યારે નીચેના હોલમાં શારદાબેન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા અને 108ની ટીમે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. શરીર પર ગળા, છાતી, ગાલ તેમજ બંને હાથની આંગળીઓના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે હાજર પુત્રવધૂ કાજલબેને જણાવ્યું હતું કે સાંજે છ વાગ્યાના સુમારે શારદાબેન કામ પરથી ઘરે આવ્યા ત્યારે પતિ સાથે ઝઘડો શરૂ થયો હતો.

કાજલબેને પતિ મયુરને ફોન કર્યો હતો અને ઝઘડામાં વચ્ચે પડતાં સસરાએ ધક્કો મારી ઘરની બહાર કાઢી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. અંદરથી મારપીટની રાડો સંભળાયા બાદ થોડીવારમાં લોહીવાળા કપડે બહાર આવેલા પ્રવીણભાઈએ પત્નીને મારી નાખ્યાનું કહી નાસી ગયા હતા. ત્યારબાદ અંદર જઈને જોતાં શારદાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પીઆઈ જી.આર. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ ફરાર આરોપી પતિને પકડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે પ્રવીણ પરસોંડાને ગોંડલના પાટીદળ ગામના પાટિયા પાસેથી ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં આરોપીએ હત્યા કર્યા બાદ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસ જાપ્તા હેઠળ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચારિત્ર્યની શંકામાં ઉશ્કેરાઈને પ્રવીણભાઈએ શાકભાજી સમારવાની મોટી છરીના આઠેક ઘા ઝીંકી પત્નીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે.

ગની અને રિયાઝ પાનની દુકાને મનીષ સાથે ઝઘડો કરી ચાલ્યા ગયા અને છરી લઈ પરત આવી ઝીંકી દીધી

ગાંધીગ્રામના એસ.કે.ચોકમાં થયેલી હત્યાના ચકચારી બનાવમાં ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગાંધીગ્રામ, શેરી નં. 10/12ના ખુણે, બંધ શેરીમાં, મોમાઈ કૃપા ખાતે રહેતાં કિશન નરેન્દ્રભાઈ પરમાર પરિવાર સાથે રહી ડ્રાઈવીંગ અને ઘરેથી ટીફીન સર્વિસ ચલાવી ગુજરાન ગુજારે છે. ફરિયાદીના પરિવારમાં પિતા નરેન્દ્ર મોહનભાઈ પરમાર, માતા રંજનબેન, મોટાભાઈ મનિષભાઈ, ભાભી કાજલબેન અને મોટાભાઈના ત્રણ સંતાનોનો સમાવેશ થાય છે. શુક્રવારે સાંજે આશરે આઠ વાગ્યાના સુમારે ફરિયાદી નાણાવટી ચોકથી ગાંધીગ્રામ તરફ જતાં માર્ગ પર આવેલી બંધ ગોકુળ પાન નામની દુકાન પાસે બેસી ફોન પર વાતચીત કરી રહ્યા હતા, જ્યારે મોટાભાઈ મનિષભાઈ પોતાનું એક્ટીવા લઈ નજીકમાં મઢુલી પાન પાસે ઊભા હતા અને ત્યાં યશરાજ રાઠોડ સહિત અન્ય અજાણ્યા લોકો હાજર હતા. ત્યારબાદ ફરિયાદી એક્ટીવા લઈ થોડે દૂર બાપા સિતારામના ઓટા પાસે પહોંચ્યા ત્યારે મોટાભાઈના ફોન પરથી સંપર્ક થયો કે મઢુલી પાન પાસે ઝઘડો થયો છે અને સામેવાળાએ છરી કાઢી છે, જેથી ફરિયાદીએ ઝઘડો ન કરવા જણાવી બે મિનિટમાં પહોંચવાની ખાતરી આપી હતી.

ફરિયાદી તાત્કાલિક એક્ટીવા લઈ મઢુલી પાન પાસે પહોંચ્યા ત્યારે સામે આવેલી ખોડીયાર ઈલેક્ટ્રિક નામની દુકાન નજીક મનિષભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને ડાબી સાથળના ભાગે છરીના ત્રણ ઘા જોવા મળ્યા હતા. ઘટના અંગે પૂછપરછ કરતાં મનિષભાઈએ જણાવ્યું કે ગાંધીગ્રામ ગાયત્રી ડેરી પાસે રહેતો ગની ડાંગશીયા અને હનુમાન મઢી પાસે રહેતો મૂળ ધ્રોલનો રીયાઝ શેખ સામુ જોવા મામલે ગાળાગાળી કરી રહ્યા હતા, જેથી સામે ગાળો અપાતાં બંનેએ ઝઘડો કર્યો અને ગનીએ છરી વડે હુમલો કરી બંને નાસી ગયા હતા. મઢુલી પાનના સંચાલક અક્ષયભાઈએ પણ બે શખ્સો ઝઘડો કરી છરીના ઘા મારી ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન એકત્ર થયેલા લોકો પૈકી કોઈએ ૧૦૮ પર જાણ કરતાં ફરિયાદી તથા મિત્રો દિવ્યેશ અને મયુર મનિષભાઈને સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડાતાં ઈમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબે મનિષભાઈને મૃત જાહેર કર્યા હતા.

ઈન્ચાર્જ પીઆઈ એમ. ડી. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ. વી. ગોહિલ અને હંસરાજ ઝાપડીયા સહિતની ટીમે ગુનો દાખલ કર્યો હતો. બીજી તરફ ડીસીપી ઝોન-૨ની એલસીબી ઝોન-૨ની ટીમે બાતમીના આધારે આરોપીઓ જામનગર હાઈવે તરફ નાસી રહ્યા હોવાની માહિતી મળતાં ગની ડાંગશીયા અને રીયાઝ શેખને દબોચી લઈ ગાંધીગ્રામ પોલીસને હવાલે કર્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં અગાઉ સાયબર ફ્રોડના કેસમાં જેલમાંથી છૂટેલા ગનીએ સામુ જોવા અને ગાળાગાળી થતાં ગુસ્સામાં છરીના ઘા માર્યા હોવાની કબૂલાત કરી હતી, જ્યારે આ ઘટના પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પીઆઈ એચ. પી. ગઢવી, પીએસઆઈ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ અને ડી સ્ટાફ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. મનિષભાઈના અવસાનથી ત્રણ વર્ષનો પુત્ર નિલ તથા છ અને દસ વર્ષની પુત્રીઓ પ્રાંશી અને પ્રાપ્તિએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande