
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ભાજપના એક નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા પોલીસ મથકમાં દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, ખાંભા તાલુકાની એક પરણિતાએ વિક્રમ સાંખટ સામે પોતાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસનો ડર બતાવી મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ તેને રસોડામાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે ખાંભા પોલીસ મથકમાં વિક્રમ સાંખટ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ વિક્રમ સાંખટની રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
હાલ આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ બાદ સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai