



પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ કચેરી, પોરબંદર દ્વારા આર્મડ ફોર્સિસ ફ્લેગ ડે
ફંડમાં વધુમાં વધુ યોગદાન આપવા નાગરિકોને પ્રોત્સાહિત કરવાના હેતુથી જિલ્લા
કલેક્ટર એસ.ડી. ધાનાણીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું
આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગત નાણાકીય વર્ષ દરમિયાન આર્મડ
ફોર્સિસ ફ્લેગ ડે ફંડમાં ઉદારતાપૂર્વક યોગદાન આપનાર દાતાશ્રીઓને જિલ્લા કલેક્ટરના
હસ્તે સન્માનપત્ર અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે દાતાઓના
સેવાભાવી અભિગમ અને રાષ્ટ્રહિતમાં આપેલા યોગદાનની સરાહના કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ
સશસ્ત્ર દળોના જવાનોના ત્યાગ, સમર્પણ
અને દેશસેવાની ભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા માટે સૈનિકો નિઃસ્વાર્થભાવે પોતાની ફરજ નિભાવે છે. આવા
જવાનો તેમજ તેમના પરિવારજનોના કલ્યાણ અને સુખાકારી માટે સમાજના દરેક વર્ગે પોતાની
યથાશક્તિ મુજબ ઉદારતાથી સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં યોગદાન આપવું જોઈએ. તેમણે
નાગરિકોને આર્મડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડમાં સહભાગી બની દેશના સૈનિકો અને તેમના
પરિવારજનોના કલ્યાણમાં યોગદાન આપવા અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ
અધિકારી તથા વિંગ કમાન્ડર કૃષ્ણ કુમાર શુક્લા (નિવૃત્ત) દ્વારા આર્મડ ફોર્સિસ
ફ્લેગ ડે ફંડનો ઉપયોગ વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ કરવામાં આવતો હોવાની માહિતી
આપવામાં આવી હતી. જેમાં નિર્ધનતા સહાય યોજના, શૈક્ષણિક સહાય યોજના, દીકરીના લગ્ન પ્રસંગે આર્થિક સહાય, દિવ્યાંગ બાળકો માટે આર્થિક સહાય, સૈનિક વિધવાઓ માટે વ્યવસાયલક્ષી તાલીમ સહાય, મકાન સમારકામ માટે આર્થિક સહાય તેમજ
અંતિમ સંસ્કાર માટે આર્થિક સહાય સહિતની યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી
હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા બી યુ જાડેજા, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનઃવસવાટ
અધિકારી અને વિંગ કમાન્ડર કૃષ્ણ કુમાર શુક્લા (નિવૃત્ત), જિલ્લા આરોગ્ય અધિકારી ડી. બી મહેતા, જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમાર, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ
મોઢવાડીયા, અગ્રણી પદુભાઈ રાયચુરા સહિતના સૈનિક
બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya