
- 932 લીટર બનાવટી ઘી સહિત 5.77 લાખનો મુદામાલ કબ્જે : પંચકોશી-એ પોલીસનો દરોડો : ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે સેમ્પલો લીધા : 500 લીટર નકલી ઘીનો સ્થળ પર નાશ કરાયો
જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં નકલી ખાદ્યપદાર્થોના એક પછી એક પ્રકરણો બહાર આવી રહ્યા છે, તાજેતરમાં કાલાવડ પંથકમાંથી ભેળસેળયુક્ત દૂધનો જંગી જથ્થો મળી આવ્યો હતો, દરમ્યાનમાં જામનગર જિલ્લાના રવાણી ખિજડીયા સીમમાં બનાવટી ઘી બનાવવાની ફેકટરી ઝડપાતા ભારે ચકચાર મચી જવા પામી છે, પંચકોશી-એ પોલીસ દ્વારા દરોડો પાડી 932 લીટર બનાવટી ઘી સહિત 5.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ શોધી કાઢવા સૂચના અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના સભ્યો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમ્યાન પંચકોશી-એના પીઆઈ તેમજ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લાના રવાણી ખિજડીયા ગામની સીમમાં કબજા ભોગવટાની વાડીમાં બનાવટી ઘી બનાવવાની કામગીરી ચાલતી હોવાની ચોક્કસ હકીકત મળી હતી.
મળેલી હકીકતના આધારે સદર જગ્યાએ જઈ તપાસ કરતા વાડીમાં મશીનરીથી બનાવટી ઘી બનાવવાની ફેકટરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું, જેથી સ્થળ ઉપરથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વિભાગના અધિકારીએ સ્થળ પર હાજર ઘીના જથ્થાની ચકાસણી કરતા ઘી બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું અને આશરે 932 લીટર જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 5,77,840 રૂપિયા આંકવામાં આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી દ્વારા સ્થળ પરથી જરૂરી સેમ્પલો મેળવવામાં આવ્યા હતા, જેમાં 200 એમએલના 2160 ડબ્બા ભરેલા જોવા મળ્યા હતા જેના પર કેટી બંધન કાઉસ પ્યોર ઘીના સ્ટીકર લગાવેલા હતા અને તે જથ્થો સ્થળ પર સીલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાકી રહેલો આશરે 500 લીટર બનાવટી ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરીને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે રહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાવટી ઘીની ફેકટરી પકડાતા ભારે ચકચાર મચી જવા પામી છે અને અત્રે ઉલ્લેખનીય છે કે કાલાવડ પંથકમાં બે જુદા જુદા દરોડામાં બનાવટી ભેળસેળયુક્ત દૂધનો જંગી જથ્થો પકડાયો હતો તેમજ અગાઉ પણ નકલી ખાદ્યસામગ્રી બનાવવાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે. આમ અન્ય જિલ્લાની સાથોસાથ જામનગર જિલ્લામાં પણ નકલીની બોલબાલા જોવા મળી રહી છે અને ખાસ કરીને ખાદ્યપદાર્થોમાં મિલાવટનો આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે, જેના પર તંત્ર દ્વારા ધોંસ બોલાવવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt