

ગાંધીનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા નાગરિકોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી તા. ૧૮/૧૧/૨૦૨૬ થી સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ચિલોડા-હિંમતનગર અને અડાલજ-મહેસાણા હાઇવે પરની ૨૯ હોટલ-રેસ્ટોરન્ટ તેમજ જિલ્લાની અન્ય ૩૧ પેઢીઓ મળી કુલ ૬૦ પેઢીઓમાં ‘ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬’ હેઠળ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ દરમિયાન ખાદ્યચીજવસ્તુઓની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઇજીનની સ્થિતિની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી, સાથે જ જિલ્લાની ૩૧ પેઢીઓમાં આઇસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે પણ તપાસ કરાઈ હતી. ‘ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-૨૦૦૬’ હેઠળ સ્વચ્છતા અને હાઇજીનિક જોગવાઈઓ મુજબ કરાયેલા નિરીક્ષણ દરમિયાન ક્ષતિઓ જણાતા ૬ હોટલ-રેસ્ટોરન્ટને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં (૧) લીલીવાડી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, અડાલજ-મહેસાણા હાઇવે, (૨) મારુતીનંદન કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, છત્રાલ, (૩) માં ખોડીયાર કાઠીયાવાડી ઢાબા, અડાલજ, (૪) મહારાજ હોટલ, અડાલજ, (૫) વિનય હોટલ, ચંદ્રાલા અને (૬) હોટલ પાલવ, છાલાનો સમાવેશ થાય છે. નોટિસ બાદ પણ જો નિર્ધારિત સુધારો નહીં જણાય તો આ પેઢીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન તમામ પેઢીઓને ગ્રાહકો ગેરમાર્ગે ન દોરાય તે માટે સ્પષ્ટ અને સહેલાઈથી વંચાય તેવા બોર્ડ લગાવવાની કડક સૂચના આપવામાં આવી છે. આ બોર્ડમાં ‘આઇસક્રીમ’ માત્ર દૂધમાંથી બનેલ હોવાની અને ‘ફ્રોઝન ડેઝર્ટ’ વેજીટેબલ ફેટમાંથી બનેલ હોવાની સ્પષ્ટ જાણકારી દર્શાવવી અનિવાર્ય રહેશે.
તંત્ર દ્વારા ગાંધીનગર જિલ્લાના હાઇવે સહિતની તમામ હોટલ-રેસ્ટોરન્ટ અને ખાદ્ય પેઢીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે, ખોરાક બનાવતી અને પીરસતી વખતે કર્મચારીઓ કેપ, એપ્રોન અને ગ્લવ્ઝ ફરજિયાત પહેરે. ખાદ્યપદાર્થોમાં કોઈપણ પ્રકારના કલર કે ન્યૂઝપેપરનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છ વાતાવરણમાં જ ભોજન તૈયાર કરી પીરસવા તાકીદ કરાઈ છે. આ સ્પેશિયલ ડ્રાઇવ આગળ પણ સતત ચાલુ રહેશે અને કાયદાના ભંગ બદલ લાયસન્સ/રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ