
- મજૂરી કરતી આદિમ જૂથની સીદી બહેનો હાથના હુન્નરથી પગભર બની.
ગીર સોમનાથ, 21 નવેમ્બર (હિ.સ.) : તાલાલા તાલુકાના સુરવા ગામની ‘સાવજવાળીમાં મંગલમ જૂથ’ની સીદી સમાજની બહેનો આજે આત્મનિર્ભરતાની નવી મિસાલ કાયમ કરી રહી છે. એક સમયે જેમના હાથ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હવે એ જ હાથના હુન્નરના માધ્યમથી કમાણી કરી પરિવારને મદદરુપ થઈ રહ્યાં છે.
કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરતી સાવજવાળી માં મંગલમ જૂથની સીદી બહેનો પોતાની આવડત, મહેનત અને આત્મવિશ્વાસના જોરે વિવિધ પ્રકારની હસ્તકલાની વસ્તુઓનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહી છે. જૂથના શબાનાબહેન દરજાદાએ જણાવ્યું હતું કે, આદિમ જૂથની ૧૦ બહેનોએ એકસાથે મળી અમે સખી મંડળની શરૂઆત કરી છે. આ બહેનો દ્વારા પરંપરાગત કળા અને કૌશલ્યને રોજગારીનું માધ્યમ બનાવી વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. જે ઉત્પાદનોમાં આકર્ષક તોરણ, ઝૂમ્મર, રૂમાલ, પર્સનો સમાવેશ થાય છે.
આ જૂથની બહેનો આ ઉપરાંત જંગલમાંથી આયુર્વેદિક જડીબુટ્ટીઓ લાવી તેનો પાઉડર બનાવી અને તેની નાની-મોટી પ્રોડક્ટ બનાવી અને બજારમાં વેચે છે. તેઓ કુરિયર દ્વારા પણ તેમની વસ્તુઓનું વેચાણ કરે છે. જેનાથી પણ તેમને સારી આવક થાય છે.
ખાસ વાત એ છે કે, અગાઉ મજૂરી કામ કરીને આજીવિકા મેળવતી આ બહેનો આજે પોતે જ ઉત્પાદક અને ઉદ્યોગસાહસિક બની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે અને આ બહેનો પોતાની મહેનત અને કૌશલ્યના આધારે દર મહિને અંદાજે રૂ. ૬૦ હજારની આવક મેળવી રહી છે.
મંગલમ જૂથની આ બહેનો ગુજરાતમાં યોજાતા વિવિધ મેળાઓમાં પણ ભાગ લે છે. આ મેળાઓના માધ્યમથી તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. મેળાઓમાં પોતાના ઉત્પાદનોનું વેચાણ કરી તેઓને બજાર પણ મળી રહ્યું છે અને તેમની કળાને નવી ઓળખ મળી રહી છે. આ પ્રવૃત્તિના માધ્યમથી બહેનોને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થવાની સાથે તેમનામાં આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના પણ મજબૂત બની છે.
સીદી સમાજની આ બહેનોએ સાબિત કરી બતાવ્યું છે કે, યોગ્ય તક, માર્ગદર્શન, સંગઠનશક્તિ અને અવિરત મહેનત હોય તો મહિલાઓ કોઈપણ ક્ષેત્રે સફળતા મેળવી શકે છે. આમ, સુરવા ગામની મંગલમ જૂથની સીદી સમાજની ૧૦ બહેનો પોતાની મહેનત અને આવડતના બળે માત્ર આર્થિક રીતે પગભર જ નથી બની, પરંતુ સમાજની અન્ય મહિલાઓને પણ સ્વરોજગાર તરફ આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી રહી છે.
શબાનાબહેને સરકાર દ્વારા મહિલાઓ માટે કરવામાં આવતા પ્રયત્નોની સરાહના કરી અને રાજ્ય સરકાર દ્વારા સખીમંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલથી માંડીને તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જેથી તેઓ તેમની વસ્તુઓનું સરળતાથી માર્કેટિંગ કરીને વેચાણ કરી શકે છે. આ માટે તેમણે રાજ્ય સરકાર તેમજ વહીવટી તંત્રનો પણ આભાર પ્રગટ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ