


જૂનાગઢ,21 નવેમ્બર (હિ.સ.) કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલનારી 36 કિલોમીટરની ગિરનાર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.જૂનાગઢના ભવનાથ ખાતે દેવઉઠી અગિયારસના પાવન અવસરે ગરવા ગિરનારની ઐતિહાસિક લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો છે.
ભવનાથમાં પરિક્રમાર્થીઓની ભારે ભીડને ધ્યાને લઈ ગઈકાલે વહેલી સવારે જ ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો, પરંતુ આજે ભગવાન દત્તાત્રેયની પૂજા-અર્ચના કર્યા બાદ પોલીસ બેન્ડની સુરાવલી સાથે પરિક્રમાને સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ, ઇન્દ્રભારતી મહારાજ, મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી બાપુ સહિતના સાધુ-સંતો તેમજ મેયર, ધારાસભ્યો, ડેપ્યુટી મેયર, જૂનાગઢ કલેક્ટર, આઈજી અને એસપી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલતી આ પરિક્રમામાં લાખો પ્રવાસીઓની સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મીઓ અને 450થી વધુ વન વિભાગનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.
પરિક્રમાર્થીઓને પ્રકૃતિનું જતન અને વન્યજીવોની સુરક્ષા કરવા અપીલ
કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ગેટ પરથી ભગવાન દત્તાત્રેયનું પૂજન, શ્રીફળ વધેરી અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે પરિક્રમાને સત્તાવાર રીતે ખુલ્લી મૂકવામાં આવી હતી.
મધ્યરાત્રિએ પૂજન-અર્ચના બાદ પરિક્રમાનો પ્રારંભ- પરિક્રમાના વિધિવત પ્રારંભ પ્રસંગે ગિરનાર સાધુ મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ, જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુ સહિતના સાધુ-સંતોએ ભગવાન દત્તાત્રેયનું પૂજન કર્યું હતું. ત્યારબાદ શ્રીફળ વધેરી પરિક્રમાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પોલીસ બેન્ડ સાથે પરિક્રમાનો પ્રારંભ થતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ વર્ષે પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના વિશેષ અભિયાન હેઠળ જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા તૈયાર કરાયેલી સરકાર માન્ય 50,000 કાપડની થેલીઓનું સાધુ-સંતો અને અધિકારીઓના હસ્તે યાત્રાળુઓને વિતરણ કરાયું હતું. તંત્ર દ્વારા પરિક્રમાના 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાધુ-સંતો અને તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓને પ્રકૃતિનું જતન કરવા, વન્યજીવોની સુરક્ષા જાળવવા અને પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ન કરીને પુણ્યનું ભાથું બાંધવા અપીલ કરવામાં આવી છે.
મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શરૂ કરવામાં આવેલી અને ઋષિ-મુનિઓએ આગળ ધપાવેલી સનાતન ધર્મની પરંપરામાં સમગ્ર ભારતમાંથી લાખો ભક્તો ગિરનારની પરિક્રમા કરવા ઉમટી પડ્યા છે. ગયા વર્ષે વધુ વરસાદને કારણે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાઈ હતી, જેના કારણે ઘણા શ્રદ્ધાળુઓ આવી શક્યા નહોતા. આ વર્ષે ભક્તોની સંખ્યામાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ગિરનારી મહારાજ સૌની મનોકામના પૂર્ણ કરે અને રાષ્ટ્રનું કલ્યાણ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.
તંત્રની કામગીરીને સાધુ સમાજ અને ગિરનાર મંડળે બિરદાવી - ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, ગિરનારી મહારાજની કૃપાથી મધ્યરાત્રિએ 12 વાગ્યે પરિક્રમાનો શુભ પ્રારંભ થયો છે. સાધુ-સંતો, વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, રાજકીય આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, વેપારીઓ અને પત્રકારો સહિત સૌના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે વરસાદના કારણે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે વરસાદ ન હોવાથી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાને સાધુ સમાજ અને ગિરનાર મંડળ બિરદાવે છે.
જંગલમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખો, બાળકો અને વૃદ્ધોની સંભાળ રાખવા અપીલ - પરિક્રમા દરમિયાન જંગલની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ છે. આ વર્ષે વરસાદ ન પડતાં જંગલમાં પાંદડાં સૂકાઈ ગયાં છે, જેથી આગ લાગવાનું જોખમ વધી શકે છે. પરિક્રમાર્થીઓને બીડી-સિગારેટ ન પીવા, સળગતી વસ્તુઓ ન ફેંકવા અને જંગલમાં આગ ન લગાડવા અપીલ કરાઈ છે. વન્યજીવોને કોઈ કનડગત ન થાય તેનું ધ્યાન રાખવા તેમજ પરિક્રમા દરમિયાન બાળકો અને વૃદ્ધોની વિશેષ સંભાળ રાખવા પણ જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ