રાજ્યપાલએ રાજનગર ગામે અનુસૂચિત જાતિના પરિવારના ઘરે આત્મીયતાથી સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કર્યો
ગ્રામજનો સાથે સંવાદ કરી શિક્ષણ, વ્યસનમુક્તિ અને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરક અનુરોધ કર્યો નડિયાદ,21 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે બીજા દિવસે ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ પૂર્વે નડિયાદ તાલુક
Governor intimately enjoyed morning sattvic snack at the home of a Scheduled Caste family in Rajnagar village


- ગ્રામજનો સાથે સંવાદ કરી શિક્ષણ, વ્યસનમુક્તિ અને સરકારી યોજનાઓનો લાભ લેવા પ્રેરક અનુરોધ કર્યો

નડિયાદ,21 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે બીજા દિવસે ખેડા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ પૂર્વે નડિયાદ તાલુકાના રાજનગર ગામની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે તેમણે ગામના અનુસૂચિત જાતિ પરિવારના મનોજ બાબુભાઈ વાઘેલાના નિવાસસ્થાને પધારી પરિવારજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો અને તેમની સાથે સવારનો સાત્વિક અલ્પાહાર ગ્રહણ કરી ભાવસભર આતિથ્ય માણ્યું હતું.

રાજ્યપાલએ પરિવારના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા અને પરિવારજનો સાથે સહજતાથી વાતચીત કરી હતી. રાજ્યપાલના આ સાદગીપૂર્ણ, સરળ અને આત્મીય વ્યવહારથી વાઘેલા પરિવાર આનંદિત અને ભાવવિભોર બન્યો હતો.

ત્યારબાદ રાજનગર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચોકમાં રાજ્યપાલએ ગ્રામજનો સાથે સહજ સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે તેમણે ગામના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનો વ્યાપ વધારવા, વ્યસનમુક્ત જીવન અપનાવવા અને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલએ ગામના સરપંચ રાજેન્દ્ર પરમારને ખાસ અનુરોધ કર્યો હતો કે ગામમાં યોજનાઓનો લાભ મેળવવા પાત્રતા ધરાવતા એકપણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સક્રિય પ્રયાસો કરવામાં આવે. આ ઉપરાંત ગામના વિકાસ માટે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત મળતી સહાયનો લાભ લેવા અને ગ્રામવિકાસની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવવા પણ તેમણે જણાવ્યું હતું.

રાજ્યપાલએ જણાવ્યું હતું કે, દુનિયામાં પરસેવો પાડીને મહેનત કરનાર વ્યક્તિ જ પ્રગતિ કરે છે. જે વ્યક્તિ પોતાની મદદ કરવા માટે આગળ આવે છે, તેને દુનિયા પણ મદદ કરે છે. સૌએ સખત મહેનત કરીને આત્મનિર્ભર બનવું જોઈએ અને એકબીજાને સહકાર આપવાની ભાવના કેળવવી જોઈએ. મહેનત કરનાર વ્યક્તિની ક્યારેય હાર થતી નથી, તેવો પ્રેરણાદાયી સંદેશ તેમણે ગ્રામજનોને આપ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલએ ધોરણ-6 માં અભ્યાસ કરતી દીકરી રિદ્ધિ સંદીપકુમાર જાદવ સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે દીકરીને બહાદુર બનીને જીવનમાં સતત આગળ વધવા, ઉચ્ચ શિક્ષણ મેળવવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રોત્સાહિત કરી હતી.

આ પ્રસંગે નરસંડા ગામનાં સરપંચ કપિલા વાઘેલા, રાજનગર ગામના સરપંચ રાજેન્દ્ર પરમાર સહિત ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande