

- ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અને પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો
નડિયાદ,21 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખેડા જિલ્લાના પ્રવાસના બીજા દિવસે નડિયાદ તાલુકાના નરસંડા ગામે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત ઉમેશગીરી શૈલેષભાઈ ગોસ્વામીના મોડેલ ફાર્મ ‘ગીરી ફાર્મ’ની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે ફાર્મમાં વિકસાવવામાં આવેલી વિવિધ ખેતી પદ્ધતિઓ, ફળો અને શાકભાજીના પાકનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી ઉપસ્થિત ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો.
રાજ્યપાલએ બાગાયત વિભાગની સહાયથી નિર્મિત નેટહાઉસની મુલાકાત લઈને તેમાં ઉગાડવામાં આવતા કાકડી સહિતના વેલાવાળા પાકોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાકમાંથી ફળો ઉતારી તેની ગુણવત્તા નિહાળી હતી તેમજ પાકની જાળવણી અને ઉત્પાદનની ગુણવત્તા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ ખેડૂતોને યુરિયા સહિતનાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી દૂર રહી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અપનાવી જમીન, પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના હિતમાં લોકકલ્યાણકારી ખેતી પદ્ધતિ તરફ આગળ વધવા અનુરોધ કર્યો હતો.
ખેડૂતોને સંબોધતા રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વર્તમાનની સાથે ભવિષ્યનો વિચાર કરીને પરિવારની જરૂરિયાત મુજબની જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવી જોઈએ. પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ પુણ્યનું કાર્ય છે.
પ્રાકૃતિક કૃષિ કરવાથી આવકમાં ઘટાડો થાય છે તેવી માન્યતા પાયાવિહોણી છે. ખેડૂતોએ વિવેક અને બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો તથા પંચસ્તરીય ખેતી પદ્ધતિ અપનાવી વધુ આવક મેળવવાના પ્રયાસો કરવા જોઈએ.
આ સંદર્ભમાં તેમણે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રાકૃતિક ખેતીનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીના માધ્યમથી આ વર્ષે ખજૂરના ઉત્પાદન થકી નોંધપાત્ર આવક મેળવવામાં આવી છે. આવા અનુભવો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
રાજ્યપાલએ પશુપાલન વિભાગના અધિકારીને પશુધન વૃદ્ધિ માટે સેક્સ-સોર્ટેડ સીમેન પદ્ધતિનો વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવા તથા આ અંગે જનજાગૃતિ લાવવા કેમ્પ યોજવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
તેમણે ખેડૂતોને સરકાર દ્વારા નજીવા મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવતી આ સુવિધાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારીને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરતા પ્રગતિશીલ ખેડૂતોનાં ખેતરોની નિયમિત ફાર્મ વિઝિટ યોજી અન્ય ખેડૂતોને પણ આવા પ્રયોગોથી માહિતગાર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલએ ઉપસ્થિત ખેડૂતો સાથે આત્મીયતાભર્યો સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના અનુભવો અને સફળતાની વિગતો જાણી હતી.નરસંડા ગામના ભૂમેલ સીમ રોડ ખાતે આવેલા ગીરી ફાર્મની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જોગીયા,નરસંડા ગામનાં સરપંચ કપિલા વાઘેલા સહિત નડિયાદ તાલુકાના ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ