
- નરસંડા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ બાદ વહેલી સવારે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે કર્યો યોગાભ્યાસ
નડિયાદ,21 નવેમ્બર (હિ.સ.) ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના પ્રવાસે છે. શુક્રવાર રાત્રે નડિયાદ તાલુકાના નરસંડા ગામની પ્રાથમિક શાળાના સાધારણ કક્ષમાં રાત્રિ વિસામો કર્યો હતો. જે બાદ શનિવારે વહેલી સવારે શાળાના પ્રાંગણમાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગ્રામવાસીઓ તેમજ યોગસાધકો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
પ્રાથમિક શાળાના કેમ્પસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાણાયમ, અનુલોમ-વિલોમ, કપાલભાતી, નૌકાસન, સવાસન, સેતુબંધ આસન, અર્ધસર્વગાસન, જેવા વિવિધ યોગ સતત એક કલાક કરાવી સૌને તંદુરસ્ત જીવનશૈલી જીવવા આહવાન કર્યું હતું.
તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ યોગ, પ્રાણાયમ કરવાથી શરીરને થતા લાભો વિશે ગ્રામજનો અને યોગસાધકોને માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે યોગ અને પ્રાણાયમના શારીરિક તથા માનસિક લાભોથી સૌને અવગત પણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જોગીયા, નડિયાદ પ્રાંત અધિકારી ચિરાગ નિમાવત સહિત શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ