
સુરત, 21 નવેમ્બર (હિ.સ.) : દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા વીજ ગ્રાહકોને વધુ ઝડપી, પારદર્શક અને અત્યાધુનિક સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ઓલપાડ તાલુકાના માસમા ગામેથી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે અંદાજિત રૂ. 9.79 કરોડના ખર્ચે નિર્માણ પામનાર DGVCLની ઓલપાડ (ગ્રામ્ય) વિભાગીય કચેરી, ઓલપાડ પેટા વિભાગીય કચેરી અને રાંદેર (ગ્રામ્ય) પેટા વિભાગીય કચેરીના ગ્રીન બિલ્ડિંગનું ભૂમિપૂજન કરાયું હતું.
આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, એક સમયે ગામડાઓ વિજળી માટે તરસતા હતા, ગ્રામજનો દ્વારા વાળું સમયે વિજળી મળી રહે એવી રજૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને કરતા, રાજ્યમાં ૨૦૦૪માં 'જ્યોતિગ્રામ યોજના'ની શરૂઆત ડાંગના છેવાડાના આદિવાસી વિસ્તારથી કરી હતી. ૨૦૦૭ની સોલાર પોલિસીથી શરૂ થયેલી સફરમાં આજે 'સૂર્યઘર યોજના' અને 'પીએમ સૂર્યઘર સોલાર રૂફટોપ' થકી આજે ગુજરાતમાં ૧૦ લાખથી વધુ ઘરો પર સોલાર સિસ્ટમ કાર્યરત છે, જેનાથી નાગરિકોને વીજ બિલમાં મોટી રાહત અને આવક મળી રહી છે. સાથોસાથ, અગાઉ ખેતીવાડીના કનેક્શન માટે વર્ષો સુધી રાહ જોવી પડતી, જ્યારે આજે ઓનલાઈન અરજી કર્યા બાદ ત્રણ મહિનામાં વીજ કનેક્શન મળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું, કે તોકતે અને બિપરજોય વાવાઝોડાના અનુભવ બાદ કાંઠા વિસ્તારોમાં ૨૫ થી ૪૦ કિલોમીટર સુધી વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લેવાયો, જેથી વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે. વડાપ્રધાનની રૂ.૩૦,૦૦૦ કરોડની RDSS યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપનીને આશરે રૂ.૪,૦૦૦ કરોડ મળ્યા અને માળખાનું અપગ્રેડેશન થયું છે, જેના પરિણામે આજે દેશની ટોપ-૫ વીજ કંપનીઓમાં ગુજરાતની કંપનીઓ સામેલ છે અને DGVCL પ્રથમ ક્રમે છે. ક્લાઈમેટ ચેન્જ અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના વૈશ્વિક પ્રયાસો વચ્ચે ૨૦૩૦ સુધીના રિન્યુએબલ એનર્જી લક્ષ્યાંકમાં ગુજરાત અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યું છે હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે, ગુજરાત આજે વીજળી ક્ષેત્રે આત્મનિર્ભર અને સોલાર એનર્જીમાં દેશમાં બીજા ક્રમે પહોંચ્યું છે, જેના પરિણામે અગાઉ પાવર કટ કે ફોલ્ટ સમયે ઉદ્યોગોને પડતી મુશ્કેલીઓ હવે ભૂતકાળ બની છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારત આજે વિશ્વમાં ચોથા ક્રમે છે અને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ મેગાવોટ ક્ષમતાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે, જેમાં સોલાર અને વિન્ડ એનર્જીમાં થયેલી નોંધપાત્ર વૃદ્ધિ મહત્વપૂર્ણ છે. મજબૂત વીજ માળખા અને સતત પાવર સપ્લાયને કારણે ગુજરાત વિજ સરપ્લસ બન્યું છે અને ભારત પડોશી દેશો ભૂટાન તથા નેપાળને પણ વીજળી એક્સપોર્ટ કરે છે.
દલાલે કહ્યું કે, તા.૧ મે, ૨૦૨૬ના રોજ સરપ્લસ સ્થિતિના કારણે સોલાર એનર્જી ૫ પૈસા પ્રતિ યુનિટ વેચાઈ હતી. સ્ટોરેજ કેપેસિટી વધારવા અને વિવિધ પ્રકારે વીજળી ઉત્પાદનના પ્રોજેક્ટો પ્રગતિ હેઠળ છે. ક્લીન એનર્જીનું લક્ષ્યાંક એ ઇકોનોમિક ટ્રાન્ઝિશન છે, જે આવનાર વર્ષોમાં પૂર્ણ થશે. ચીન, યુએસએ અને બ્રાઝિલ બાદ ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે અને ૨૦૩૦ સુધીમાં ૫૦૦ મેગાવોટ ક્ષમતાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યું છે. દેશમાં ૨૦૧૪માં માત્ર ૨.૮ મેગાવોટ બનતી સોલાર એનર્જી આજે ૧૬૫ મેગાવોટ સુધી પહોંચી છે, જ્યારે વિન્ડ એનર્જી ૨૦૧૪માં ૨૧ મેગાવોટ હતી તે ૩૧ જુલાઈ-૨૦૨૬ના રોજ ૫૮ મેગાવોટ સુધી પહોંચી છે જે દેશની વિકાસની ગતિ તથા ઉદ્યોગોની પ્રગતિને વેગ આપશે એમ સાંસદએ ઉમેર્યું હતું.
ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડમાં વિભાગીય વીજકચેરી બનવાથી કૃષિનિર્ભર ઓલપાડ તેમજ દરિયાકિનારાના ૨૮ થી ૩૦ ગામોના લોકોની સુવિધાઓમાં વધારો થશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના ૧૮,૦૦૦ ગામોમાં ૨૪ કલાક વીજળી અને ૨૦૨૧ બાદ ઊર્જા વિભાગમાં ૨૮,૦૦૦ મેગાવોટ સુધી વીજ પુરવઠાની વ્યવસ્થાથી અગાઉના અંધકાર અને વિજજોડાણમાં લાંબા વેઈટિંગનો સમય ભૂતકાળ બન્યો છે,
વધુમાં જણાવ્યું કે આગામી ૫૦ વર્ષ સુધી ઓલપાડમાં વીજળીની તકલીફ ન પડે તે માટે વ્યાપક આયોજન કરાયું છે, જેમાં છેલ્લા ચાર વર્ષમાં પીંજરત, સેગવા, વેલુક, કરમલા અને સરોલી સહિતના ગામોમાં ૬૬ કેવીના સબસ્ટેશન ઊભા કરાયા છે. અગાઉ ઇચ્છાપોરના એકમાત્ર ૨૨૦ કેવી સબસ્ટેશન પર નિર્ભરતાના બદલે હવે કુદિયાણા ખાતે ૨૨૦ કેવી સબસ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત થશે અને પડિયા ખાતે ૨૨૦ કેવી સબસ્ટેશનની કામગીરી પ્રગતિમાં છે. ઓલપાડ તાલુકો ‘પી.એમ. સૂર્યઘર’ યોજના હેઠળ સૌથી વધુ ૨૧,૫૦૯ લાભાર્થીઓ અને અંદાજિત રૂ.૧૪૯ કરોડની સબસિડીના વિતરણ સાથે રાજ્યમાં અગ્રેસર રહ્યો છે.
આ પ્રસંગે મેયર માયાબેન માવાણી, DGVCL ના એમ.ડી. કે.જે.રાઠોડ, મુખ્ય ઈજનેર એમ.જી. સુરતી, અધિક્ષક એન્જિનિયર બી.સી.ગોધાણી, ઓલપાડ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર જે.એમ.ચાવડા, રાંદેર ડિવિઝનના એન.જી.ગામીત, જિ.પં. કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલ, બાંધકામ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર પટેલ, જિ.સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તા.પં.પ્રમુખ પિયુષ પટેલ, કોર્પોરેટરો, દંડક, શાસક પક્ષ નેતા, સરપંચો, DGVCL-જેટકો કંપનીના અધિકારી-કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે