
પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં પાટણ શહેર અને સિદ્ધપુરમાં આઈસ્ક્રીમ તથા ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદક એકમો, રિટેલર્સ અને હોટેલ્સ સહિત કુલ 17 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના સંગ્રહ, રસોડાની સ્વચ્છતા, હાઈજિન અને જરૂરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. સિદ્ધપુરની 9 હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સને પણ તપાસ હેઠળ આવરી લેવામાં આવી હતી.
આ ઉપરાંત ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાય તથા યોગ્ય માહિતી મળી રહે તે માટે એકમોમાં જરૂરી વ્યવસ્થા છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતી 3 પેઢીઓને જરૂરી સુધારાત્મક પગલાં લેવા માટે સત્તાવાર નોટિસ આપવામાં આવી હતી. તંત્ર દ્વારા ગ્રાહકોના આરોગ્યના હિતમાં ગુણવત્તા, સ્વચ્છતા અને યોગ્ય લેબલિંગ સુનિશ્ચિત કરવા આવી તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ