રાજકોટના એરપોર્ટ રોડ પર સોની વેપારીનો ઝેરી દવા પી આપઘાત; ત્રણ મહિના પૂર્વે જ કર્યા'તા બીજા લગ્ન
સોની બજારમાં ''ગુણવંતરાય જગદીશચંદ્ર બ્રધર્સ'' નામની પેઢી ધરાવતા 42 વર્ષીય સુનિલભાઈ પારેખે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું; આર્થિક ભીંસ કે અન્ય કારણ અંગે પોલીસ તપાસ શરૂ રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના એરપોર્ટ રોડ સ્થિત આરાધના સોસાય
ઝેરી દવા


સોની બજારમાં 'ગુણવંતરાય જગદીશચંદ્ર બ્રધર્સ' નામની પેઢી ધરાવતા 42 વર્ષીય સુનિલભાઈ પારેખે ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ જીવન ટૂંકાવ્યું; આર્થિક ભીંસ કે અન્ય કારણ અંગે પોલીસ તપાસ શરૂ

રાજકોટ, 21 નવેમ્બર (હિ.સ.) : રાજકોટના એરપોર્ટ રોડ સ્થિત આરાધના સોસાયટીમાં રહેતા અને સોની બજારમાં વેપાર કરતા 42 વર્ષીય સુનિલભાઈ પારેખે આજે સવારે ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી આપઘાત કરી લીધો છે. સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્રણ મહિના પહેલા જ બીજા લગ્ન કરનાર વેપારીના આ પગલાં પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના એરપોર્ટ રોડ વિસ્તારમાં આવેલી આરાધના સોસાયટીમાં રહેતા 42 વર્ષીય સુનિલભાઈ જગદીશચંદ્ર પારેખે આજે વહેલી સવારે પોતાના નિવાસસ્થાને અંતિમ પગલું ભરી લીધું હતું. તેમણે ઘરમાં રહેલા ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ગળી લેતા તેમની તબિયત લથડી હતી. ઘટનાની જાણ થતા જ પરિવારના સભ્યો તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તાર અને વેપારી આલમમાં ચર્ચા જાગી છે.

મૃતક સુનિલભાઈ શહેરની પ્રખ્યાત સોની બજારમાં 'ગુણવંતરાય જગદીશચંદ્ર બ્રધર્સ' નામની પેઢી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ તપાસતા સામે આવ્યું છે કે, અગાઉ તેમના પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ચૂક્યા હતા. પ્રથમ લગ્નજીવન થકી તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. ત્યારબાદ જીવનમાં નવી શરૂઆત કરતા હજુ ત્રણ મહિના પહેલા જ સુનિલભાઈના બીજા લગ્ન થયા હતા. નવદંપતીના લગ્નજીવનને હજુ માત્ર ત્રણ માસનો જ સમય વીત્યો હતો ત્યાં આ ઘટના બની છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે, સુનિલભાઈ તાજેતરમાં જ દિવાળીના તહેવારોની રજાઓમાં પરિવાર સાથે આઠ દિવસ માટે બહારગામ ફરવા ગયા હતા. બહારથી સામાન્ય અને વ્યવસ્થિત દેખાતા પારિવારિક માહોલ વચ્ચે અચાનક વેપારીએ શા માટે આ પ્રકારનું પગલું ભર્યું તે એક કોયડો બન્યો છે.

હાલ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ કરીને સંબંધિત પોલીસ મથકને જાણ કરી છે. વેપારીએ ધંધાકીય કે આર્થિક ભીંસમાં આવીને આપઘાત કર્યો છે કે પછી તેની પાછળ કોઈ અન્ય ઘરેલુ કે અંગત કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે. પોલીસે મૃતકના પરિવારજનો અને નજીકના સગાસંબંધીઓના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના આધારે સાચું કારણ બહાર આવવાની શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande