
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરના નાગરિકોને વધુ સારી આરોગ્યલક્ષી સુવિધાઓ અને સુંદર પર્યાવરણ પૂરું પાડવાની દિશામાં મહાનગરપાલિકા દ્વારા વધુ એક વિકાસકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડીંગ વિભાગ દ્વારા SJMMSVY યોજના અંતર્ગત અંદાજે 1.18 કરોડ રૂપિયાના ખર્ચે બોરતળાવ ખાતે જોગર્સ પાર્કના વિકાસકાર્ય તેમજ ઇસ્કોન રોડ પર NCC પાસે ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવશે. આ બંને વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવ ખાતે બટરફ્લાય ગાર્ડનથી કૈલાસવાટિકા ફેઝ-2 સુધી જોગર્સ પાર્કનો વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં બોરતળાવની આસપાસ રહેતા નાગરિકો સહિત સમગ્ર શહેરના લોકોને વોકિંગ અને જોગિંગ માટે સુવિધાજનક સ્થળ ઉપલબ્ધ થશે. હરિયાળા અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણમાં નાગરિકો નિયમિત કસરત કરી શકશે. ખાસ કરીને સવાર-સાંજ ચાલવા અને કસરત કરવા આવતા લોકો માટે આ સુવિધા ઉપયોગી સાબિત થશે. બીજી તરફ ઇસ્કોન રોડ પર NCC પાસે આકર્ષક અને ભવ્ય એન્ટ્રી ગેટનું નિર્માણ કરવામાં આવશે. જે શહેરના પ્રવેશમાર્ગની સુંદરતામાં વધારો કરશે અને ભાવનગરને વધુ આકર્ષક બનાવશે.
નાગરિકોની સુવિધા, આરોગ્ય અને શહેરના આયોજનબદ્ધ વિકાસને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવેલા આ બંને પ્રોજેક્ટ ભાવનગરના શહેરી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA