
જુનાગઢ, 21 નવેમ્બર (હિ.સ.) : ગિરનારની લીલી પરિક્રમામાં તા.21 નવેમ્બરના રોજ 36 કીમી રૂટના તમામ પડાવો અને પવિત્ર સ્થાનકો અને મંદિર વિસ્તારોમાં લાખો ભાવિકોની મેદની છે. લાખો લોકોની સેવા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્રની છેલ્લા એક મહિનાની જહેમત અને સંસ્થાઓના સંકલનથી અને સાધુ સંતોના આશીર્વાદ સાથે સુચારું રીતે પરિક્રમા આગળ વધી રહી છે.
ગઈકાલે તા. 20 નવેમ્બરના રોજ કારતક સુદ અગિયારસના રોજ મધરાતે સાધુ સંતો, અધિકારીઓ, સંસ્થાઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભવનાથ ખાતેથી ગિરનારની લીલી પરિક્રમાનો શાસ્ત્રોત પૂજન સાથે વિધિવત પ્રારંભ થયો હતો. હજારો ભાવિકોના જય ગિરનારીના નાદથી ગિરનારની લીલી પરિક્રમાની સેંકડો વર્ષોની આ પરંપરામાં આધ્યાત્મિક શ્રદ્ધામય ચેતનાની સાથે પ્રકૃતિના જતનની નવી ચેતના પ્રગટી હતી .
પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના વિશેષ અભિયાન હેઠળ જગદગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજ દ્વારા તૈયાર કરાયેલી ઇકો ફ્રેન્ડલી 50,000 કાપડની થેલીઓનું સાધુ-સંતો અને અધિકારીઓના હસ્તે યાત્રાળુઓને વિતરણ કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા પરિક્રમાના ૩૬ કિલોમીટરના સમગ્ર રૂટ પર કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ મૂકવામાં આવ્યુ છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિકોને પર્યાવરણ પ્રકૃતિને નુકસાન ન થાય તે રીતે પરિક્રમા કરવા અને સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી છે. સાધુ સંતો દ્વારા પણ પ્રકૃતિનું જતન કરવા અપીલ કરવામાં આવી છે.
પરિક્રમા ના વિવિધ પડાવ અને જ્યાં ભીડ રહે છે ત્યાં વિવિધ વ્યવસ્થાઓનો અને યાત્રિકોને માર્ગદર્શન તેમજ પબ્લિક એડ્રેસ સિસ્ટમ ઉપરાંત ઈમરજન્સીમાં મદદ મળી રહે તે માટે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. લાખો ભાવિકોમાં પણ સ્વયમ શિસ્ત છે અને શાંતિથી પરિક્રમા કરી પુણ્યનું ભાથુ બાંધી શ્રદ્ધા સાથે પરિક્રમાના રૂટ પર દર્શન ભજન કીર્તન કરી રહ્યા છે.
ગિરનારની પરિક્રમાના ભવનાથ થી ઈટવાની ઘોડી જીણાબાવાની મઢી, સરકડીયા હનુમાનજી, સુરજકુંડ માળવેલા, નળપાણીની ઘોડી અને બોરદેવી ત્યાંથી ભવનાથ સુધી એમ સમગ્ર પરિક્રમાના રૂટ પર વિવિધ સ્થળોએ પ્રાથમિક સારવાર, પાણી પુરવઠા તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા તેમજ સંસ્થાઓ દ્વારા ભોજન અને યાત્રિકોની સુરક્ષા માટે વન વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગના 2500 થી વધુ અને વન વિભાગના 450 જેટલા વન કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા ભાવિકોને સારવાર મળી રહે અને ઈમરજન્સીમાં તેઓને દવાખાને પહોંચાડી શકાય તે માટે રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી આપવામાં આવી છે. કલેકટર યોગેશ ચૌધરીએ પરિકમાર્થીઓને શુભકામના પાઠવી છે અને વિવિધ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે માર્ગદર્શન આપ્યું છે. મહાનગરપાલિકા દ્વારા પણ ભવનાથ વિસ્તારમાં વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે. અધિક કલેક્ટર બી.એસ બારડ પણ તંત્રની વિવિધ વ્યવસ્થાઓ અને ભાવિકોની સુવિધા લક્ષી તંત્રની સમગ્ર કામગીરીનું સંકલન કરી રહ્યા છે. જૂનાગઢમાં આવેલા લાખો ભાવિકોના વાહનોની પાર્કિંગ વ્યવસ્થા તેમજ પરિવહન માટે એસટી અને રેલવે વિભાગ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ગિરનાર લીલી પરિક્રમાના વિધિવત પ્રારંભમાં ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરીબાપુ સહિતના સાધુ સંતો ઉપરાંત મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર આઈ.આર. વાળા, રેન્જ આઈ. જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસપી સુબોધ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, પ્રાંત અધિકારી વૃષાલી કાંબલે સહિતના પદાધિકારી-અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ