
જુનાગઢ 21 નવેમ્બર (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ ગિરનારની પવિત્ર લીલી પરિક્રમામાં સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે. આ પવિત્ર યાત્રા દરમિયાન તમામ યાત્રાળુઓની સુરક્ષા, સુવિધા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા અત્યંત આયોજનબદ્ધ અને વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા એ જણાવ્યું હતું કે,પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે DySP, PI, PSI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, હોમગાર્ડ અને GRD સહિત અંદાજે ૨,૨૫૦ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે તૈનાત છે. સમગ્ર બંદોબસ્તની કામગીરી સરળતાથી અને સુચારુ રૂપે પાર પાડી શકાય તે માટે તેને ૮ અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરિક્રમાના મુખ્ય રૂટની સાથે ગિરનાર પર્વત પર દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે પણ અલગથી ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સમગ્ર જંગલ વિસ્તારમાં યાત્રાળુઓની મદદ માટે પોલીસ વિભાગ દ્વારા ૪૦ જેટલી રાવટીઓ (ચોકીઓ) ઊભી કરવામાં આવી છે, જ્યાં પોલીસ, વન વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમો ૨૪ કલાક સતત કાર્યરત રહેશે. યાત્રાની ભીડમાં પોતાના પરિવાર કે સ્વજનોથી વિખૂટા પડી ગયેલા બાળકો અને શ્રદ્ધાળુઓને શોધીને તેમનું પરિવાર સાથે પુનઃમિલન કરાવવાની મહત્વપૂર્ણ કામગીરી પણ આ રાવટીઓ પરથી કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે પરિક્રમાના સમગ્ર રૂટ અને અગત્યના સ્ટેટિક પોઈન્ટ્સ પર ૪૦ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેનું ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે બનાવેલા કંટ્રોલ રૂમમાંથી નિષ્ણાત ટીમ દ્વારા ૨૪ કલાક લાઈવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ, ભીડનો લાભ લઈને થતી પોકેટ ચોરી કે અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા માટે ૮ જેટલી વિશેષ સર્વેલન્સ ટીમો અને ખાનગી વિડીયોગ્રાફર્સ સમગ્ર રૂટ પર સતત ચાંપતી નજર રાખશે.
ભવનાથ અને ગિરનાર દરવાજા વિસ્તારમાં ચાલીને જતા પદયાત્રીઓને કોઈ અગવડ ન પડે તે માટે વાહન વ્યવહાર પર ખાસ નિયંત્રણો મૂકવામાં આવ્યા છે, જેમાં સ્થાનિક રહીશો, આશ્રમો અને આવશ્યક સેવાઓ માટે નિશ્ચિત ટાઈમ-સ્લોટ મુજબ વેહિકલ પાસ ઈશ્યૂ કરાયા છે. તદુપરાંત, રાવટીઓ પરથી મેગાફોન દ્વારા સતત માર્ગદર્શન અને મિસિંગ પર્સનની જાહેરાતો કરવામાં આવશે, જ્યારે જંગલના નો-નેટવર્ક વિસ્તારોમાં પોલીસ ટીમો વચ્ચે સતત સંપર્ક જાળવવા વિશેષ વાયરલેસ કમ્યુનિકેશન સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ