



પાટણ, 21 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પવિત્ર કિનારે યોજાતો પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો આજે સાંજથી શરૂ થશે. મેળાનું ઉદ્ઘાટન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ પ્રસંગે સંતો-મહંતો પણ હાજર રહેશે.
મેળામાં બાળકો અને યુવાનો માટે ચકડોળ, ચકરડી સહિતની વિવિધ રાઈડ્સ, રમકડાં, કટલરી અને ઘરવપરાશની વસ્તુઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. સિદ્ધપુર અને આસપાસનાં ગામો ઉપરાંત દૂરદૂરથી લોકો મેળાની મુલાકાત લેશે.
માતૃગયા તીર્થ તરીકે ઓળખાતા સિદ્ધપુરના બિંદુ સરોવરનું ધાર્મિક મહત્ત્વ વિશેષ છે. કાર્તિકી પૂર્ણિમાએ શ્રદ્ધાળુઓ સરસ્વતી નદીમાં પવિત્ર સ્નાન કરી પૂર્વજોની શાંતિ અને સદ્ગતિ માટે તર્પણ, પિંડદાન સહિતની ધાર્મિક વિધિઓ કરશે. આ માટે ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
મેળામાં મોટી સંખ્યામાં લોકો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરી ભીડ, પ્રવેશ-બહારના માર્ગો અને વાહનવ્યવહાર પર નજર રાખશે. ધાર્મિક પરંપરા અને મનોરંજનના સંગમ સમાન આ લોકમેળાથી સિદ્ધપુરમાં ઉત્સવનો માહોલ છવાશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ