ભુજના સાહિલ અજડીયા સામે પોલીસનો પાસાનો સકંજો: 28 જેટલા ગુનાઓ અને ફરિયાદોમાં સંડોવણીના આધારે લાજપોર જેલમાં ધકેલાયો
મુંદરા, ભુજ, માંડવી અને માનકુવા સહિતના પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓને આધારે પશ્ચિમ કચ્છ LCBની કાર્યવાહી કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ તંત્ર દ્વારા
પાસા હેઠળ ધકેલાયેલ આરોપી


મુંદરા, ભુજ, માંડવી અને માનકુવા સહિતના પોલીસ મથકોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓને આધારે પશ્ચિમ કચ્છ LCBની કાર્યવાહી

કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ભુજના એક ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલવાની કામગીરી હાથ ધરી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ અને તેની સામે થયેલી કાયદેસરની કાર્યવાહી આ પગલાનું મુખ્ય કારણ બન્યાં છે.

પોલીસના જણાવ્યા અનુસાર ભુજના ખોજા ચોક, સંજોગનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય સાહિલ દાઉદ અજડીયા વિરુદ્ધ પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની સામે થયેલી ગુનાકીય નોંધો અને અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના મુજબ પાસા હેઠળ કાર્યવાહી કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ આગળ વધારવામાં આવી હતી. આરોપી સામેના કેસોની વિગતો એકત્રિત કરી પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાને મોકલવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્તને આધારે અટકાયતનો હુકમ કરતાં LCBની ટીમે સાહિલ અજડીયાને શોધી ઝડપી પાડ્યો હતો અને તેને લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરી હતી.

ઉપલબ્ધ પોલીસ રેકોર્ડ મુજબ સાહિલ સામે મુંદરા, ભુજ શહેર એ ડિવિઝન, માનકુવા અને માંડવી પોલીસ મથકોમાં વર્ષ 2013થી 2026 દરમિયાન વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. તેમાં મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, જીવલેણ હુમલો, પ્રોહિબિશન, હથિયાર સંબંધિત જોગવાઈઓ તેમજ અન્ય ગંભીર આરોપોનો સમાવેશ થાય છે. ખાસ કરીને વર્ષ 2014, 2015, 2016, 2017, 2018, 2020, 2024 અને 2026ના કેસોનો રેકોર્ડ પણ દરખાસ્તમાં સામેલ કરવામાં આવ્યો હતો.

આ પાસા દરખાસ્તની તૈયારી અને કાર્યવાહી દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણાની દેખરેખ હેઠળ એ.એસ.આઈ. મયુરધ્વજસિંહ રાણા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ કામગીરી કરી હતી. જ્યારે અટકાયતીને ઝડપી પાડવામાં એ.એસ.આઈ. અશ્વિનભાઈ સોલંકી, હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ અને કોન્સ્ટેબલ પરબતભાઈ ચૌધરી જોડાયા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande