આદિપુરમાં પોક્સો હેઠળના ગંભીર ગુનાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો, પોલીસની ત્વરિત કાર્યવાહી
પૂર્વ કચ્છમાં શરીર સંબંધિત ગંભીર ગુનાઓ અટકાવવા પોલીસની સક્રિયતા વચ્ચે આદિપુર પોલીસને સફળતા; 28 વર્ષીય દેવબહાદુર સોનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) :પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારમાં પોક્સો જેવા ગંભીર ગુનામાં સંડોવ
આદિપુર પોક્સો કેસનો આરોપી


પૂર્વ કચ્છમાં શરીર સંબંધિત ગંભીર ગુનાઓ અટકાવવા પોલીસની સક્રિયતા વચ્ચે આદિપુર પોલીસને સફળતા; 28 વર્ષીય દેવબહાદુર સોનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ

કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) :પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારમાં પોક્સો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડતાં પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરી સામે આવી છે. ગંભીર ગુનાની ફરિયાદ સામે આવ્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરી સર્વેલન્સ સ્ટાફની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. આ કાર્યવાહીથી ગંભીર ગુનાઓના આરોપીઓ સામે પોલીસની સક્રિયતાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પૂર્વ કચ્છ જિલ્લામાં શરીર સંબંધિત ગંભીર પ્રકારના ગુનાઓને અટકાવવા અને આવા બનાવોમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર 11993002260837/2026માં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(M), 65(2), 351(3) તેમજ પોક્સો એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનાની તપાસ દરમિયાન અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન અને આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગિયાની સૂચના અનુસાર પોલીસ ટીમે તપાસ તેજ બનાવી હતી.

સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટીમવર્ક અને ઉપલબ્ધ માહિતીના આધારે તપાસ આગળ ધપાવી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ દેવબહાદુર સોનાર (ઉંમર 28 વર્ષ) તરીકે થઈ છે. તે હાલ આદિપુરમાં બારવાડી શાકમાર્કેટ નજીક ટી.ડી. એક્સ વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે. મૂળ નેપાળના જાજરકોટ જિલ્લાના કુદુ ગામનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે.

આ સમગ્ર કામગીરી આદિપુર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. કરંગિયાની આગેવાનીમાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોક્સો જેવા ગંભીર ગુનામાં ઝડપી કાર્યવાહી કરી આરોપીને પકડી પાડવાની આ કામગીરી પૂર્વ કચ્છ પોલીસની સક્રિયતા દર્શાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande