આડેસરમાં સરકારી જમીન પરનું દબાણ તંત્રએ બુલડોઝર ફેરવી હટાવ્યું
નેશનલ હાઈવે-27 પાસે સર્વે નંબર 771ની સરકારી જમીન પર આશરે 2,691 ચોરસ ફૂટમાં કરાયેલું કોમર્શિયલ દબાણ દૂર કરાયું; અંદાજિત રૂ.3.20 લાખની કિંમતનું બાંધકામ જમીનદોસ્ત કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે સરકારી જમીન પર થયેલ
આડેસરમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું


આડેસરમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું


આડેસરમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું


- નેશનલ હાઈવે-27 પાસે સર્વે નંબર 771ની સરકારી જમીન પર આશરે 2,691 ચોરસ ફૂટમાં કરાયેલું કોમર્શિયલ દબાણ દૂર કરાયું; અંદાજિત રૂ.3.20 લાખની કિંમતનું બાંધકામ જમીનદોસ્ત

કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આડેસર ગામમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-27 પર સર્વિસ રોડની બાજુમાં આવેલી સરકારી જમીન પર બનાવવામાં આવેલી અમદાવાદી તવા ફ્રાય હોટલનું પાકું બાંધકામ તોડી પાડવામાં આવતાં ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આડેસર ગામના સર્વે નંબર 771 પૈકીની સરકારી જમીન પર આશરે 250 ચોરસ મીટર એટલે કે 2,691 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં કોમર્શિયલ હેતુથી પાકું બાંધકામ કરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસર મંજૂરી વિના કબજો જમાવી હોટલ ઊભી કરવામાં આવી હોવાની વિગતો સામે આવતાં વહીવટી તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ દબાણની અંદાજિત કિંમત રૂ.3.20 લાખ હોવાનું જણાવાયું છે.

સમગ્ર મામલે આડેસર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ રાપર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને જરૂરી તપાસ અને સ્થળ ચકાસણી માટે યાદી પાઠવવામાં આવી હતી. ત્યારબાદ સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચીને સરકારી જમીનની હકીકત તપાસવામાં આવી હતી. તપાસ દરમિયાન પંચરોજકામ સહિતની પ્રક્રિયા હાથ ધરી બાંધકામ સરકારી જમીન પર થયેલું હોવાનું સામે આવ્યું હતું.

આ તપાસના આધારે સરકારી જમીન પર કરવામાં આવેલા પાકા બાંધકામને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં હોટલનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જે વ્યક્તિના નામે આ દબાણની વિગતો સામે આવી છે તે અનવર અયુબ હિગોરજા, રહે. આડેસર સામે ભૂતકાળમાં આડેસર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013થી 2022 દરમિયાન વિવિધ ગુનાઓ સંબંધિત કુલ 16 પોલીસ નોંધો દર્શાવવામાં આવી છે. જેમાં મારામારી, ધમકી, પ્રોહિબિશન સહિતની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ રેકોર્ડમાં જણાવાયું છે. જોકે, ગુનો નોંધાવવો અને ગુનો સાબિત થવો એ બંને અલગ બાબતો છે.

આડેસરમાં સરકારી જમીન પર થયેલા દબાણ સામેની આ કાર્યવાહીથી જાહેર જમીનો પર ગેરકાયદેસર કબજો કરનારાઓને સ્પષ્ટ સંદેશ મળ્યો છે કે સરકારી મિલકત પર અનધિકૃત બાંધકામ સામે તંત્ર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. હવે અન્ય વિસ્તારોમાં પણ આવા દબાણો સામે કાર્યવાહી હાથ ધરાશે કે કેમ તેના પર સ્થાનિક લોકોની નજર રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande