
- એલસીબી પૂર્વ કચ્છની રેડમાં 1,812 બોટલ વિદેશી દારૂ સાથે બોલેરો પીકઅપ અને સ્કૂટર કબજે; દારૂના જથ્થા સાથે સંકળાયેલા ચાર શખ્સોની શોધખોળ તેજ.
કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિઓ પર લગામ કસવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીઓ વચ્ચે પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજાર તાલુકાના વર્ષામેડી સીમ વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે. ઓમનગર નજીકના પડતર ખેતરોમાં સંતાડવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા પર દરોડો પાડી પોલીસે કુલ રૂ.13.43 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરતાં દારૂના નેટવર્કમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના અનુસાર જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા શખ્સો પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજિયાના માર્ગદર્શન હેઠળ ટીમ અંજાર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષામેડી સીમના ઓમનગર પાછળ આવેલા પડતર ખેતરોમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને તેને મહારાષ્ટ્ર પાસિંગની બોલેરો પીકઅપમાં ભરીને અન્યત્ર ખસેડવાની તૈયારી ચાલી રહી છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતાં ભારતીય બનાવટની એવરગ્રીન રિઝર્વ વ્હિસ્કીની 750 મિલીની કુલ 1,812 બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂ.10,23,780 થાય છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર પાસિંગની બોલેરો પીકઅપ કિંમત રૂ.2.50 લાખ અને સ્કૂટર કિંમત રૂ.70 હજાર મળી કુલ રૂ.13,43,780નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આ દારૂના જથ્થા સાથે કાના વેલા બઢીયા (રહે. ઓમનગર, વર્ષામેડી સીમ), વિનોદ ઉર્ફે વિશાલ મોહન કટુઆ (રહે. આદિપુર), મુતુ પટેલ (રહે. ઓમનગર, વર્ષામેડી સીમ) તેમજ બોલેરો પીકઅપના ચાલકની સંડોવણી હોવાની બાતમી મળી હતી. જોકે દરોડા દરમિયાન આ ચારેય હાજર મળી આવ્યા ન હતા. જેથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
આ કેસમાં કાના વેલા બઢીયા સામે અંજાર, ભચાઉ અને આદિપુર પોલીસ મથકોમાં અગાઉના અનેક પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે વિનોદ ઉર્ફે વિશાલ સામે પણ અગાઉ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોવાનું પોલીસ રેકોર્ડમાં દર્શાવાયું છે.
એલસીબીની ટીમે કબજે કરેલો મુદ્દામાલ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યો છે. પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને આ હેરાફેરીમાં અન્ય કોણ સંકળાયેલું છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે. આ કામગીરીથી પૂર્વ કચ્છમાં દારૂના ગેરકાયદેસર નેટવર્ક સામે પોલીસની કાર્યવાહી વધુ તેજ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar