ભચાઉના શીકરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 900 લીટર આથો મળી આવતા પોલીસની કાર્યવાહી
ખાનગી બાતમીના આધારે ભચાઉ પોલીસે ભીલવાસમાં આવેલા ખુલ્લા વાડામાં પાડ્યું દરોડું; ભઠ્ઠી ચલાવતો શખ્સ ફરાર હોવાથી ધરપકડના ચક્રો ગતિમાન. કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવ
શિકરા ખાતે દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ


શિકરા ખાતે દેશી દારૂ ની ભઠ્ઠી ઝડપાઈ


- ખાનગી બાતમીના આધારે ભચાઉ પોલીસે ભીલવાસમાં આવેલા ખુલ્લા વાડામાં પાડ્યું દરોડું; ભઠ્ઠી ચલાવતો શખ્સ ફરાર હોવાથી ધરપકડના ચક્રો ગતિમાન.

કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ભચાઉ તાલુકાના શીકરા ગામમાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર ભઠ્ઠી ઝડપાતાં સ્થાનિક સ્તરે ચકચાર મચી છે. ભચાઉ પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલો 900 લીટર આથો કબજે કર્યો છે. જોકે, પોલીસની રેડ દરમિયાન ભઠ્ઠી ચલાવવાનો આરોપ ધરાવતો શખ્સ મળી આવ્યો ન હોવાથી તેને પકડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરાડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પોલીસને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું.

આ દરમિયાન પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે શીકરા ગામમાં રહેતો દીનેશ કાનજી સંઘાર ગામના ભીલવાસ વિસ્તારમાં આવેલા પોતાના કબજાના ખુલ્લા વાડામાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે અને હાલ પણ આ પ્રવૃત્તિ ચાલુ છે. બાતમીને ગંભીરતાથી લઈને ભચાઉ પોલીસની ટીમે સ્થળ પર તપાસ કરતાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર ભઠ્ઠી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ તૈયાર કરવા માટે રાખવામાં આવેલો આશરે 900 લીટર આથો કબજે કર્યો હતો, જેની કિંમત રૂ.22,500 આંકવામાં આવી છે.

આ મામલે પોલીસે પ્રોહિબિશન ધારાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં શીકરા ગામનો દીનેશ કાનજી સંઘાર ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે ભચાઉ પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. તપાસ દરમિયાન આ પ્રવૃત્તિ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande