
સોશિયલ મીડિયાની અપીલ બની સેવાકાર્યનું માધ્યમ; દાતાઓના સહયોગથી રણની વેરાન ધરતી પર તૈયાર થયું પાણીનું આવાડું, મૂંગા જીવોને મળશે પીવાના પાણીની સુવિધા
કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છના વિશાળ રણની વેરાન ધરતી પર જ્યાં દૂર-દૂર સુધી પાણીનાં કોઈ સાધન નજરે પડતાં નથી, ત્યાં અબોલ પશુ-પક્ષીઓની તરસ છીપાવવાના હેતુથી એક સરાહનીય સેવાકાર્ય સાકાર થયું છે. હાજીપીર રણ વિસ્તારમાં વસવાટ કરતા મૂંગા જીવોને પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા આશય સાથે જબ્બાર જત વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલ હવે પૂર્ણ થઈ છે. ફાઉન્ડેશનના પ્રયાસોથી રણ વિસ્તારમાં પશુ-પક્ષીઓ માટે પાણીના આવાડાનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જીવદયાની ભાવનાને જીવંત રાખતું ઉદાહરણ બન્યું છે.
રણપ્રદેશમાં વસવાટ કરતા વન્યજીવો અને અન્ય અબોલ પશુ-પક્ષીઓ માટે પાણીની ઉપલબ્ધિ હંમેશાં એક મોટો પડકાર બની રહે છે. ખાસ કરીને ખુલ્લા અને સૂકા વિસ્તારોમાં પાણી મેળવવા માટે મૂંગા જીવોને લાંબા અંતર સુધી ભટકવું પડે છે. આવી પરિસ્થિતિમાં તેમને પીવાનું પાણી મળી રહે તે માટે ફાઉન્ડેશન દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર વિચાર સુધી સીમિત ન રહેતાં સંસ્થાએ તેને સાકાર કરવા માટે લોકસહયોગનો માર્ગ અપનાવ્યો હતો.
આ કામગીરી માટે ફાઉન્ડેશન દ્વારા ફેસબુક અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જીવદયાપ્રેમી લોકો સમક્ષ આર્થિક સહયોગની અપીલ કરવામાં આવી હતી. આ અપીલને અનેક સેવાભાવી દાતાઓએ આવકારી હતી અને પોતાની શક્તિ અનુસાર યોગદાન આપ્યું હતું. કોઈ મોટા આયોજન કે સરકારી સહાયની રાહ જોયા વિના સામાન્ય લોકોના સહયોગથી આ સેવાકાર્ય પૂર્ણ થયું છે.
સોશિયલ મીડિયા પર મળેલા દાનનો ઉપયોગ હાજીપીર રણમાં પાણીના આવાડાના નિર્માણ માટે કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થા થકી રણમાં વસતા અબોલ જીવોને પીવાના પાણી માટે એક આધાર મળશે. સાથે જ આ પહેલ અન્ય સેવાભાવી સંસ્થાઓ અને જીવદયાપ્રેમીઓને પણ પ્રેરણા પૂરી પાડશે.
જબ્બાર જત વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આ અભિયાનમાં સહયોગ આપનાર તમામ દાતાઓ, મિત્રો અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા લોકોનો આભાર માનવામાં આવ્યો છે. રણની નિર્જન ધરતી પર પાણીની સુવિધા ઊભી કરતું આ કાર્ય સાબિત કરે છે કે સામૂહિક સહયોગ અને જીવદયાની ભાવના હોય તો નાનકડો પ્રયાસ પણ અનેક મૂંગા જીવોના જીવનમાં રાહત લાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar