



ડીએમએફ ગ્રાન્ટમાંથી પ્રથમ તબક્કાનું કામ શરૂ; શેડ, પાણીનો ટાંકો અને ગોડાઉન સહિતની સુવિધાઓ ઊભી કરાશે, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિધિવત્ શરૂઆત
કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : નખત્રાણા તાલુકાના નવા નગર ખાતે માલધારી સમાજ અને પશુધન માટે ઉપયોગી ગૌશાળાના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નવા નગરના રબારી વિસ્તારમાં ગૌશાળાના પ્રાથમિક માળખાના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) ગ્રાન્ટમાંથી રૂ.10 લાખના ખર્ચે બનાવવામાં આવનારી કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત સ્થાનિક આગેવાનો, જનપ્રતિનિધિઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ધાર્મિક અને સામાજિક ભાવના સાથે વિકાસકાર્યનો પ્રારંભ થયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના છેવાડાના વિસ્તારોમાં રહેતા લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. નવા નગરના રબારી વિસ્તાર માટે ગૌશાળાની કમ્પાઉન્ડ વોલના નિર્માણ માટે રૂ.10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ માત્ર શરૂઆત છે અને આગામી સમયમાં ગૌશાળાને વધુ સુવિધાસભર બનાવવા શેડ, પાણીનો ટાંકો અને ગોડાઉન સહિતનાં કામો પણ હાથ ધરવામાં આવશે. જેથી પશુધનની સંભાળ અને માલધારી સમાજને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ગામડાં અને છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા, પાણી, ગટર અને અન્ય માળખાકીય સુવિધાઓ માટે નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. માલધારી સમાજ સહિત તમામ વર્ગોના ઉત્થાન માટે પણ વિવિધ યોજનાઓ અમલમાં છે. નખત્રાણા શહેરને આગામી સમયમાં નર્મદાનું પાણી મળી રહે તે માટે પણ આયોજન થઈ રહ્યું છે. નજીકના વિસ્તારમાં ડેમ બનાવી પાણીનો સંગ્રહ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાશે, જેથી ભવિષ્યમાં શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળશે.
ધારાસભ્યએ વિકાસકાર્યોની ગુણવત્તા જાળવવામાં સ્થાનિક નાગરિકોની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું જણાવી કોઈપણ કામમાં ક્ષતિ જણાય તો જવાબદાર આગેવાનો અને જનપ્રતિનિધિઓનું ધ્યાન દોરવા અપીલ કરી હતી.
કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી અને કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે વિકાસકાર્યોની વિગતો રજૂ કરી હતી. નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઈ રબારીએ નવા નગરને પ્રથમ વખત આટલી માતબર ગ્રાન્ટ ફાળવવા બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનો દ્વારા મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરિસિંહ રાઠોડે કર્યું હતું, જ્યારે અંતે દેવાભાઈ રબારીએ આભારવિધિ કરી હતી. નવા નગરમાં ગૌશાળાના નિર્માણની શરૂઆતથી સ્થાનિક માલધારી પરિવારોમાં આશા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar