


- રાપરમાં રહેણાંક મકાન, જ્યારે આડેસરમાં છ દુકાનો અને હોટલ સહિતનાં બાંધકામો દૂર કરાયાં; પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્રની કાર્યવાહી.
કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. આ જ દિશામાં રાપર ગામે સરકારી જમીન પર થયેલા રહેણાંક તથા વ્યાવસાયિક દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ કામગીરી દરમિયાન આશરે ૮૦૦ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી તેનો કબજો ફરી સરકાર હસ્તક લેવામાં આવ્યો હતો. દૂર કરવામાં આવેલી જમીનની જંત્રી મુજબની અંદાજિત કિંમત રૂ.૧૦.૨૦ લાખ થવા જાય છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાપર તાલુકાના મોજે રાપર ખાતે સરકારી ટ્રા.સ. નંબર પૈકીની જમીનો પર લાંબા સમયથી રહેણાંક અને કોમર્શિયલ હેતુ માટે બાંધકામો કરવામાં આવ્યાં હતાં. આ દબાણો અંગે મામલતદાર કચેરી દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સંબંધિત પક્ષકારોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપ્યા બાદ દબાણો દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
આ આદેશના અનુસંધાને કલેક્ટર અનિલ રાણાવસિયા અને ભચાઉના મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ ટાલેના માર્ગદર્શન હેઠળ રાપરના મામલતદાર એચ.બી. વાઘેલા અને તેમની ટીમે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી. પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવેલી કાર્યવાહીમાં રાપર ખાતે સરકારી જમીન પર રહેણાંક હેતુથી બનાવવામાં આવેલું આશરે ૨૫૦ ચોરસ મીટરનું મકાન દૂર કરાયું હતું, જેની જંત્રી મુજબની કિંમત રૂ.૩ લાખ અંદાજવામાં આવી છે.
બીજી તરફ વ્યાપારી પ્રવૃત્તિ માટે ઊભી કરવામાં આવેલી છ દુકાનોનું આશરે ૩૦૦ ચોરસ મીટર ક્ષેત્રફળનું દબાણ દૂર કરાયું હતું. આ જમીનની અંદાજિત કિંમત રૂ.૪ લાખ છે. આ ઉપરાંત અન્ય સરકારી જમીન પર બાંધવામાં આવેલી હોટલનું આશરે ૨૫૦ ચોરસ મીટરનું દબાણ પણ હટાવવામાં આવ્યું હતું, જેની કિંમત રૂ.૩.૨૦ લાખ આંકવામાં આવી છે.
આમ, એક જ દિવસમાં ત્રણ પ્રકારનાં દબાણો દૂર કરીને કુલ ૮૦૦ ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. કાર્યવાહી પૂર્ણ થયા બાદ જમીનનો કાયદેસર કબજો સરકાર દ્વારા મેળવી લેવામાં આવ્યો હતો. સરકારી જમીનોનું રક્ષણ અને જાહેર મિલકતો પરના અનધિકૃત કબજાઓ દૂર કરવા માટે હાથ ધરાયેલી આ કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar