વિથોણમાં ‘મોતિયા મુક્ત કચ્છ’ અભિયાનને વેગઃ 132 લોકોએ કરાવી આંખોની તપાસ, 12 દર્દીઓના વિનામૂલ્યે થશે ઓપરેશન
કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છના નાગરિકોને આંખોની બીમારીઓથી મુક્તિ અપાવી તેમને ફરીથી સ્પષ્ટ દૃષ્ટિનો અનુભવ કરાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા ‘મોતિયા મુક્ત કચ્છ’ અભિયાન અંતર્ગત નખત્રાણા તાલુકાના વિથોણ ગામે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હ
વિથોણ માં નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન થયું


વિથોણ માં નેત્રરોગ નિદાન કેમ્પનું આયોજન થયું


કચ્છ, 21 નવેમ્બર (હિ.સ.) : કચ્છના નાગરિકોને આંખોની બીમારીઓથી મુક્તિ અપાવી તેમને ફરીથી સ્પષ્ટ દૃષ્ટિનો અનુભવ કરાવવાના ઉદ્દેશ સાથે શરૂ કરાયેલા ‘મોતિયા મુક્ત કચ્છ’ અભિયાન અંતર્ગત નખત્રાણા તાલુકાના વિથોણ ગામે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. અંધજન મંડળ, કે.સી.આર.સી. ભુજ દ્વારા વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આંખોની તપાસ કરાવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સારવારની સાથે આર્થિક રાહત મળે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આંખોને લગતી વિવિધ સમસ્યાઓની તપાસ નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને મોતિયો, ઝામર, વેલ, પરવાળા અને નાસૂર સહિતની તકલીફો ધરાવતા દર્દીઓનું નિદાન કરી તેમને યોગ્ય સારવાર અંગે સમજ આપવામાં આવી હતી. આંખોની તંદુરસ્તી જાળવવા અને સમયસર તપાસ કરાવવાના મહત્વ વિશે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

કેમ્પના અંતે મળેલા આંકડા મુજબ કુલ 132 લોકોએ આંખોની તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન 12 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાઈ હતી. આ તમામ દર્દીઓના ભુજ ખાતે સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. જ્યારે 53 જરૂરિયાતમંદ લોકોને રાહતદરે ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓને જરૂરી દવાઓ અને આંખમાં નાખવાનાં ટીપાં પણ નિઃશુલ્ક આપવામાં આવ્યાં હતાં.

કેમ્પનો પ્રારંભ દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિથોણનાં સરપંચ લક્ષ્મીબેન મહેશ્વરી, ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ રતિલાલભાઈ ખેતાણી, નખત્રાણા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ નરસિંગાણી, PHCના મેડિકલ ઓફિસર ડૉ. નક્ષ, આશાવર્કર મેમુનાબેન રાજા, હંસાબેન લોચા સહિત આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અંધજન મંડળ, કે.સી.આર.સી. ભુજના રસમિતાબેન, પચાણભાઈ ગઢવી, ડિમ્પલબેન ભાટિયા, બાદલભાઈ ભદ્રુ અને અબ્દુલભાઈ રાયમાએ કેમ્પમાં સેવાઓ આપી હતી. સ્થાનિક આગેવાનો અને કાર્યકરોના સહયોગથી સમગ્ર આયોજન સફળ બન્યું હતું.

નોંધનીય છે કે સંસ્થા દ્વારા ‘માંગો ત્યાં કેમ્પ અને રોજે રોજ આંખોનાં ઓપરેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ વ્યક્તિ આંખોની સારવારથી વંચિત ન રહે અને કચ્છને મોતિયા મુક્ત બનાવવાના અભિયાનને ગામેગામ સુધી પહોંચાડવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande