
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : મહુવા નજીકના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ તલગાજરડા સ્થિત ચિત્રકુટધામ ખાતે મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતવાણી એવોર્ડ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોરારીબાપુના પિતા પ્રભુદાસબાપુની પુણ્યતિથિ (કારતક વદ બીજ) નિમિત્તે આગામી ૨૬ નવેમ્બર, ગુરુવારના રોજ રાત્રે ૭ કલાકે આ સાત્વિક કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ભજનીકો, સંતવાણીના વાદ્ય કલાકારો અને સંતવાણીપ્રેમીઓ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંતવાણીના આદિ સર્જકની વંદના અંતર્ગત મોટા ભમોદરાના સંત શ્રી સુખરામજી બાપુની વંદના કરવામાં આવશે.
વર્ષ ૨૦૨૬ના સંતવાણી એવોર્ડથી સુપ્રસિદ્ધ ભજનીક દેવરાજ ગઢવી (નાનો ડેરો, બાડા-કચ્છ), તબલાવાદક પ્રતાપભાઈ બારોટ (જૂનાગઢ), હિતેશગીરી ગણપતગીરી ગોસાઈ (બાબરા, રાજકોટ) અને મંજીરાવાદક સંજયભાઈ (જમનાદાસ) કાપડી (જામનગર)નું સન્માન કરવામાં આવશે.
એવોર્ડ અર્પણ વિધિ બાદ મોરારીબાપુનું પ્રસંગોચિત ઉદબોધન યોજાશે. ત્યારબાદ રાજ્યના જાણીતા ભજનીકો દ્વારા સંતવાણીની ભાવસભર પ્રસ્તુતિ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે યોજાતા આ કાર્યક્રમમાં સંતવાણીના રચયિતાઓ, ભજન ગાયકો અને વાદ્યસંગીતના કલાકારોની વંદના કરવામાં આવે છે. આ જ દિવસે સવારે તલગાજરડા ગામની દીકરીઓનાં સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA