
સુરત, 21 નવેમ્બર (હિ.સ.) વર્લ્ડ એન્ટિમાઇક્રોબિયલ અવેરનેસ વીક-2026 ની ઉજવણીના ચોથા દિવસે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ નિવારણ’ વિષય પર સુરત મેડિકલ કોલેજના ઓડિટોરિયમ હોલમાં એક દિવસીય કન્ટિન્યુઇંગ મેડિકલ એજ્યુકેશન કાર્યક્રમ અને વર્કશોપ યોજાયો હતો.
મેડિકલ કોલેજના ડીન ડૉ. ચેતન આચાર્ય અને તબીબી અધિક્ષક ડૉ.પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ માઇક્રોબાયોલોજી, ફાર્મેકોલોજી અને કોમ્યુનિટી મેડિસિન (PSM) વિભાગ તેમજ સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલે જણાવ્યું હતું કે, એન્ટીબાયોટિક દવાઓનો દુરુપયોગ ન થાય તે દિશામાં સરકારની ગાઈડલાઈન મુજબ તમામ તબીબો અને નર્સિંગ સ્ટાફે તકેદારી રાખવી અત્યંત જરૂરી છે. આ વર્કશોપમાં તજજ્ઞો દ્વારા જે જ્ઞાન આપવામાં આવ્યું છે તેનો સીધો ઉપયોગ દર્દીઓની સારવારમાં થાય તે જરૂરી છે.
કાર્યક્રમની શરૂઆતમાં મેડિકલ કોલેજના ડીન ડો. ચેતન આચાર્યએ ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને આ વર્કશોપના ઉદ્દેશ્ય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ચેપી રોગોના નિષ્ણાત તબીબ ડો. ચિરાગ છતવાણીએ સ્પેશિયલ ગેસ્ટ લેક્ચર આપ્યું હતું. આ ઉપરાંત, માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડૉ. સંગીતા રાજદેવ, ફાર્માકોલોજી વિભાગના વડા ડૉ. ચેતના પટેલ અને ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ-ICN સ્ટાફ દ્વારા નિષ્ણાત ફેકલ્ટીઓ અને ઇન્ફેક્શન કંટ્રોલ નર્સિસ દ્વારા એન્ટીબાયોટિક્સનો તર્કસંગત ઉપયોગ, ડાયગ્નોસ્ટિક સ્ટુઅર્ડશિપ, એન્ટિમાઇક્રોબિયલ સ્ટુઅર્ડશિપ પ્રોગ્રામ અને ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ટેકનિકલ સેશન્સ યોજી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌએ એન્ટીબાયોટિક્સના વિવેકપૂર્ણ ઉપયોગના શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના અંતે પી.એસ.એમ. વિભાગના ડૉ. વિપુલ ચૌધરીએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. ચેતન આચાર્ય, ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો. ભરત પટેલ, ફાર્મેકોલોજી વિભાગના વડા ડો. ચેતના પટેલ, માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સંગીતા રાજદેવ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ભાવિની પટેલ, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ સ્મિતલ ચૌધરી, ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ ડો. બિનિતાબેન, PSM વિભાગના તબીબો સહિત તબીબો, અનુસ્નાતક વિદ્યાર્થીઓ, ક્લિનિશિયન્સ, નર્સિંગ અને લેબોરેટરી સ્ટાફ કર્મચારીઓ મળીને 222થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે