
સોમનાથ,21 નવેમ્બર (હિ.સ.) પ્રભાસ તીર્થની પાવન ધરતી પર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિષ્ણુ-વૃંદા તુલસી વિવાહ મહોત્સવનો પ્રથમ દિવસ ભક્તિ, પરંપરા અને લોકસંસ્કૃતિના અનોખા સંગમ સાથે રંગે ચંગે ઉજવાયો હતો. ગોલોકધામ તીર્થ ખાતે આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં સોમનાથ ટ્રસ્ટ, પ્રભાસ પાટણના સમસ્ત ગ્રામજનો તેમજ દર્શનાર્થે પધારેલા ભક્તોએ સહભાગી બની ભગવાન વિષ્ણુ અને વૃંદાદેવીના પવિત્ર વિવાહની કંકોત્રી લેખનવિધિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ મહોત્સવનું વિશેષ આકર્ષણ એ રહ્યું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો)ના પૂર્વ ચેરમેન કે. શિવાન પણ ભગવાન વિષ્ણુ અને વૃંદાદેવીના વિવાહની કંકોત્રી લેખનવિધિમાં જોડાયા હતા. તેમણે તમિલનાડુ સ્થિત ભદ્રકાલી અમ્મન મંદિરમાં પણ આ પવિત્ર પ્રસંગની કંકોત્રી લખી હતી. આ રીતે પ્રભાસ તીર્થથી તમિલનાડુ સુધી ભક્તિ અને પરંપરાના આ પાવન પ્રસંગનો આધ્યાત્મિક સંદેશ પહોંચ્યો હતો.
કંકોત્રી લેખનની ધાર્મિક વિધિ સાથે મહોત્સવમાં પારંપરિક વેશભૂષામાં સજ્જ ભાઈઓ અને બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ સમાન રાસ-ગરબાના તાલે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બન્યું હતું. પરંપરાગત વેશભૂષા, લોકસંગીત અને સામૂહિક સહભાગિતાએ મહોત્સવને વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું હતું.
તુલસી વિવાહ એ ભારતીય સનાતન પરંપરામાં ભગવાન વિષ્ણુ અને તુલસીજીના દિવ્ય મિલનનું પ્રતીક છે. આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રહેતાં સમાજના તમામ વર્ગોને એકસાથે જોડતો, પરંપરાઓનું સંવર્ધન કરતો અને નવી પેઢીને સંસ્કૃતિ સાથે સાંકળતો લોકોત્સવ બની રહ્યો છે.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રભાસ તીર્થની પવિત્ર ધરતી પર આવા ધાર્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોના આયોજનનો હેતુ આપણી પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવાની સાથે સમાજના તમામ વર્ગોની સહભાગિતાથી સામૂહિક સાંસ્કૃતિક વારસાને વધુ સમૃદ્ધ બનાવવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ