
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : કુંકાવાવ તાલુકાના અરજણસુખ ગામે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક આસ્થા અને માંગલિક પરંપરાઓના પ્રતીક સમાન પવિત્ર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તુલસી વિવાહના પાવન અવસરે ગામમાં ભક્તિમય અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તોએ ધાર્મિક ઉત્સવમાં ભાગ લીધો હતો. રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ પણ ગ્રામજનો અને ભાવિક ભક્તો સાથે આ પવિત્ર પ્રસંગમાં સહભાગી બની ભગવાન શ્રી શાલિગ્રામ અને માતા તુલસીનાં દર્શન કરી શીશ નમાવ્યું હતું.
આ પ્રસંગે તેમણે સૌના સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં તુલસી વિવાહનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે. આ પર્વ ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ તરીકે ઉજવવામાં આવે છે.
અરજણસુખ ખાતે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે આસ્થા, પરંપરા અને ભક્તિનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai