
અમરેલી, 21 નવેમ્બર (હિ.સ.) : લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મંદિરમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઝડપી પાડ્યો છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આરોપીને બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.
ભાવનગર રેન્જના આઈ.જી.પી. રાજેન્દ્ર અસારી દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ આચરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર સી.પી. વાઘેલાની રાહબરીમાં ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઠી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(A), 305(D) અને 331(4) મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી મુકામ ઉર્ફે મુકેશ ડુંગરસિંગ ડાવર (ઉં.વ.25), રહે. બયડા, હોલી ફળિયા, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર (મધ્યપ્રદેશ) છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો.
LCB ટીમે આરોપીને ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી માટે લાઠી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ કામગીરીમાં LCBના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai