


પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના દામાજીરાવ બાગ નજીક આવેલા અતિ પ્રાચીન છત્રપતેશ્વર મહાદેવ મંદિરના 250 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેમજ કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે 22, 23 અને 24 નવેમ્બર દરમિયાન ત્રિદિવસીય મહારુદ્ર યાગ અને સ્કંદયાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પૂર્વાર્ધ રૂપે સમરજીતસિંહ ગાયકવાડ અને માતા સુભાગીનીદેવીરાજે ગાયકવાડે મંદિરમાં પૂજન-આરતી કરી યજ્ઞશાળાનું રીબીન કાપીને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મંદિર પરિસરમાં માટીનું 11 ફૂટ ઊંચું શિવલિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
મહોત્સવના મુખ્ય આચાર્ય તરીકે પંડિત સૌરભ જ્યોતિન્દ્રભાઈ બિરાજશે. 21 નવેમ્બરે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત વિધિ બાદ 22 નવેમ્બરે સવારે 9 વાગ્યે યજ્ઞનો વિધિવત પ્રારંભ થશે. ત્રણ દિવસ દરમિયાન વિવિધ શાસ્ત્રોક્ત પૂજનવિધિ, ગણેશ સ્થાપના, ગ્રહહોમ, બ્રાહ્મણ પૂજન અને હોમકાર્ય યોજાશે. 23 નવેમ્બરે ભક્તો માટે છપ્પન ભોગ દર્શન, લૌકિક દર્શન અને 108 દીવડાની મહાઆરતીનું આયોજન કરાયું છે. જ્યારે 24 નવેમ્બરે કાર્તિકી પૂર્ણિમાના દિવસે વિવિધ યજ્ઞવિધિઓ બાદ સાંજે 4:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ, મહાઆરતી અને આશીર્વાદ સમારોહ યોજાશે.
આ સમગ્ર મહોત્સવમાં રમીલાબેન ગોવિંદલાલ મોદી પરિવારના અલ્કેશ મોદી અને કલ્પેશ મોદી મુખ્ય યજમાન તરીકે જોડાયા છે. વિવિધ દાતાઓ અને કાર્યકરો સહયોગ આપી રહ્યા છે. આગામી સમયમાં મંદિરનું રિનોવેશન પણ કરવામાં આવનાર છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ