
ભાવનગર, 21 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વડલી ગામ નજીક જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે લોહિયાળ ધીંગાણું સર્જાયું હતું. બંને જૂથ વચ્ચે થયેલી મારામારીમાં ભોળાભાઈ નામના વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે છ મહિના પહેલાં ક્રિકેટ મેચ રમવા જેવી બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઘટનાને લઈને બંને જૂથ વચ્ચે મનદુઃખ અને અદાવત ચાલી આવતી હતી. દરમિયાન જૂની અદાવતને પગલે બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં ભોળાભાઈ નામના વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને પગલે મહુવા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા એકબીજા વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બંને પક્ષના કુલ 10 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હત્યાના આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહુવા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. જૂની અદાવતમાં બનેલી આ ઘટનામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે સહિતના પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA