
જામનગર, 21 નવેમ્બર (હિ.સ.) જામનગરના દરેડ ગૌશાળાથી થોડે આગળ પુલીયા પાસે ટ્રકટ્રેલરના ચાલકે બેદરકારીથી ચલાવીને બાઇકને હડફેટે લીધુ હતું, આ અકસ્માતમાં યુવાનનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજતા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી, બનાવ અંગે ટ્રકચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
દરેડ મસીતીયા રોડ ધાર વિસ્તારમાં રહેતા ભરત દાનાભાઇ ધુંધલ નામનો યુવાન ગઇકાલે મોડી સાંજે પોતાનું પલ્સર મોટરસાયકલ લઇને જઇ રહયા હતા, દરમ્યાન દરેડ ગૌશાળાથી થોડે આગળ પુલીયા પાસે પહોચતા ટ્રકટ્રેલર નં. જીજે૧૨સીવી-૩૫૮૪ના ચાલકે એકદમ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવીને મોટરસાયકલને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
આ અકસ્માતમાં બાઇકચાલકને રોડ પર પછાડી દઇ કપાળના ભાગે ગંભીર ઇજા, ખભા અને કોણીના ભાગે ઇજાઓ પહોચાડી હતી, લોહીલુહાણ હાલતમાં યુવાન સ્થળ પર ઢળી પડયો હતો, દરમ્યાન સારવારમાં લઇ જતા યુવાનનું મૃત્યુ નિપજયુ હતું, બનાવની જાણ થતા પોલીસ ટુકડી અને પરિવારજનો દોડી ગયા હતા.
આ બનાવ અંગે દરેડ મસીતીયા રોડ આલ્ફા સ્કુલની બાજુમાં રહેતા અને મુળ ભાણવડ તાલુકાના રેટા કાલાવડમાં રહેતા મૃતકના ભાઇ સુનિલ દાનાભાઇ ધુંધલ દ્વારા પંચકોશી-બીમાં ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે એચ.બી. ધાંધલીયા દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે, યુવાનના મૃત્યુના બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt