


પોરબંદર, 21 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા કે.બી.
તાજાવાલા સ્કૂલ, એમ.જી. રોડ, પોરબંદર ખાતે રોજગારવાંચ્છુ ઉમેદવારો
માટે ખાસ શૈક્ષણિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 58 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ હતી.
આ ભરતી મેળામાં પોરબંદર જિલ્લાની વિવિધ ખાનગી
શાળાઓ તેમજ સ્થાનિક નોકરી દાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં નેવી ચિલ્ડ્રન
સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, કે.બી. તાજાવાલા સ્કૂલ, ચમ સ્કૂલ, સિગ્મા સ્કૂલ, માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સ્વામી વિવેકાનંદ વિદ્યાલય-રાણાવાવ, જ્ઞાનશક્તિ રેસિડેન્સી સ્કૂલ-પોરબંદર, સરસ્વતી સાયન્સ સ્કૂલ-પોરબંદર, સરસ્વતી કન્યા વિદ્યાલય-ખાંભોદર, સંસ્કાર વિદ્યાલય-ચૌટા, ન્યૂ એરા-ખાગેશ્રી, સેફલોક ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી
સર્વિસ-પોરબંદર, કે.એ. રાઈચુરા એન્ડ કંપની-પોરબંદર તથા
અમર સાગર સી ફૂડ પ્રા. લિ.-પોરબંદરના મેનેજરો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ નોકરીદાતાઓ દ્વારા પોતાની સંસ્થાઓ અને
શાળાઓમાં ઉપલબ્ધ ખાલી જગ્યાઓ, જરૂરી
શૈક્ષણિક લાયકાત તેમજ જોબ પ્રોફાઇલ અંગે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી
હતી. ત્યારબાદ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી
હતી.
આ ભરતીમેળામાં ઉપસ્થિત રહેલા કુલ 61 ઉમેદવારો પૈકી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ અને આવડતના આધારે 58 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં
આવી હતી. પસંદગી પામેલા ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે બોલાવવામાં
આવશે.
આ ઉપરાંત જિલ્લા રોજગાર કચેરીના રોજગાર અધિકારી
દ્વારા ઉમેદવારોને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ
પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, મોડેલ
કરિયર સેન્ટર અને નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.અને જિલ્લા રોજગાર
અધિકારી દિનેશ પરમાર દ્વારા સમગ્ર ભરતીમેળાનું સંકલન અને માર્ગદર્શન પૂરું
પાડવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya